ઈરાને પણ કરી યુદ્ધની તૈયારી, ખામેનેઇએ કહ્યું કે અમેરિકાનો યુદ્ધજહાજ સમુદ્રમાં જ ડૂબાડી દઇશું | iran us military tension khamenei warship warning middle east deployment

US-Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે ખૂબ જ વધી ગયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાનના સૌથી મોટા નેતા આયાતુલ્લા ખામનેઈએ અમેરિકાને સીધી ધમકી આપતા કહ્યું છે કે, જો અમેરિકા હુમલો કરશે તો ઈરાન પાસે એવા શક્તિશાળી હથિયારો છે જે અમેરિકાના મોટા-મોટા યુદ્ધજહાજોને પણ પલભરમાં સમુદ્રમાં ડૂબાડી દેશે.
‘USS જેરાલ્ડ ફોર્ડ’ ને નષ્ટ કરવાની ખામનેઈની ખુલ્લી ધમકી
ખામનેઈએ સોશિયલ મીડિયા પર અમેરિકાના સૌથી મોટા અને આધુનિક ગણાતા ‘USS જેરાલ્ડ આર. ફોર્ડ’ જહાજને પાણીમાં ડૂબતું બતાવતી એક તસવીર મૂકીને ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભલે અમેરિકા પાસે મોટા જહાજો હોય, પણ ઈરાન પાસે તેને નષ્ટ કરી શકે તેવી મિસાઈલો તૈયાર છે. ઈરાનનો આ ઈશારો બતાવે છે કે તે અમેરિકાના કોઈપણ સૈન્ય દબાણ સામે ઝૂકવા તૈયાર નથી અને પૂરી તાકાતથી જવાબ આપવા માટે સજ્જ છે.
મિડલ ઈસ્ટમાં 50થી વધુ આધુનિક લડાયક વિમાનો તૈનાત
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ મિડલ ઈસ્ટમાં પોતાની સૈન્ય તાકાતમાં અચાનક મોટો વધારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકાએ F-22, F-35 અને F-16 જેવા 50થી વધુ આધુનિક લડાયક વિમાનો અને ઈંધણ ભરનારા ટેન્કરોની તૈનાતી કરી છે. ટ્રમ્પ દ્વારા એરક્રાફ્ટ કેરિયર મોકલવાની જાહેરાત બાદ ઈરાને હવે જાહેર કરી દીધું છે કે જો અમેરિકા હુમલો કરશે તો તે વળતો પ્રહાર કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. નિષ્ણાતો માને છે કે ઈરાને આ રીતે તેની શક્તિશાળી એન્ટી-શિપ મિસાઈલ સિસ્ટમનો ઈશારો કર્યો છે.
આ પણ વાંચો: અમેરિકાના દબાણમાં આવી ગયું ભારત? રશિયા પાસેથી થતી આયાતમાં એકઝાટકે 40%નો ઘટાડો
ઓમાનની મધ્યસ્થતા
એકતરફ યુદ્ધ જેવી સ્થિતિ છે, તો બીજી તરફ શાંતિના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ઓમાનની મધ્યસ્થતાથી જિનીવામાં બંને દેશો વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર બીજા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. ઈરાની વિદેશ મંત્રીએ આ વાટાઘાટોને સકારાત્મક ગણાવી છે. જોકે, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક બાબતો પર સહમતી બની હોવા છતાં, ઈરાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવેલી ‘રેડ લાઈન્સ’ સ્વીકારવા તૈયાર નથી. હાલ બંને દેશો વચ્ચેની આ નિવેદનબાજીએ મિડલ ઈસ્ટમાં ગંભીર સ્થિતિ પેદા કરી છે.




