પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર | pakistan bajaur terror attack ttp 11 soldiers killed suicide blast

![]()
Bajaur Terror Attack : ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની એક સંયુક્ત ચોકીને નિશાન બનાવી હતી. હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી એક ગાડી ચોકીની દીવાલ સાથે અથડાવી દીધી હતી. જેના કારણે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને 11 સુરક્ષાકર્મીઓના કરુણ મોત નીપજ્યા હતા.
ભયાનક વિસ્ફોટ
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, નજીકના રહેણાંક મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં એક માસૂમ બાળકીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) પર હુમલાનો આરોપ
પાકિસ્તાની ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ જણાવ્યું હતું કે, 16 ફેબ્રુઆરીના રોજ બાજોર જિલ્લામાં સેના અને કાયદા અમલીકરણ એજન્સીઓની સંયુક્ત ચેકપોસ્ટ પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલા આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
12 આતંકવાદીઓ ઠાર, 11 પોલીસકર્મીઓના મોત
સેનાના નિવેદન અનુસાર, સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી અને ભાગતા હુમલાખોરો પર કરવામાં આવેલા સચોટ પ્રહારમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોતાની હાર જોઈને હતાશામાં હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી ગાડી દીવાલ સાથે અથડાવી દીધી હતી. ધડાકાની તીવ્રતાને કારણે ચેકપોસ્ટની ઇમારત પડી ગઈ હતી, જેમાં 11 જવાનો દટાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.
ISPR એ વધુમાં ઉમેર્યું હતું કે આ ધડાકાને કારણે આસપાસની નાગરિક ઇમારતોને પણ અસર થઈ હતી, જેમાં એક નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું હતું અને સાત અન્ય નાગરિકો ઘાયલ થયા હતા.



