લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય : સુપ્રીમનો સવાલ | How can one have physical relations before marriage: Supreme Court’s question

![]()
– લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હોવાની યુવતીની ફરિયાદ
– અમારા વિચારો જુનવાણી લાગી શકે પરંતુ લગ્ન પહેલા કોઈના પર પણ વિશ્વાસ ના કરી શકાય : જસ્ટિસ નાગરત્ના
– સંબંધ સારા હોય કે ખરાબ એ નથી સમજાતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધમાં કેમ જોડાઇ જતા હશે : સુપ્રીમ
નવી દિલ્હી : લગ્ન પહેલા સંબંધ બાંધવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી જેની ભારે ચર્ચા થઇ રહી છે. સુપ્રીમના ન્યાયાધીશ બીવી નાગરત્નાની બેંચે કહ્યું હતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા સાવધાની રાખવી જોઇએ, કદાચ અમારા વિચારો જુના હોઇ શકે પરંતુ અમે કહેવા માગીએ છીએ કે લગ્ન પહેલા કોઇ પર વિશ્વાસ ના કરવો જોઇએ.
સુનાવણી દરમિયાન સુપ્રીમના ન્યાયાધીશ નાગરત્નાએ વધુમાં કહ્યું હતું કે લગ્ન પહેલા એક છોકરો અને છોકરી બન્ને એકબીજાથી અજાણ હોય છે, તેમના સંબંધ સારા હોય કે ખરાબ અમને એ નથી સમજાતું કે તેઓ લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બનાવી શકે ? તમારે બહુ જ સાવધાન રહેવું જોઇએ.
લગ્ન પહેલા કોઇ પર વિશ્વાસ ના કરવો જોઇએ. આ સમગ્ર મામલો લગ્નના જુઠા વચન આપીને શારીરિક સંબંધ બાંધવા સાથે જોડાયેલો છે. મહિલા અને પુરુષ ૨૦૨૨માં એક મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી એકબીજાને મળ્યા હતા. બાદમાં બન્ને એકબીજા સાથે સંબંધમાં પણ જોડાયા હતા. જોકે કોઇ કારણોસર યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
બાદમાં યુવતી દ્વારા યુવક પર લગ્નના જુઠા વચન આપી શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે ન્યાયાધીશ નાગરત્નાની બેંચે મહિલાને સવાલ કર્યો હતો કે તે પોતાની મરજીથી આરોપીની સાથે દુબઇ કેમ ગઇ હતી? જ્યારે મહિલા તરફથી હાજર સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે આરોપીએ કેટલાક અંગત પળોના વીડિયો પણ બનાવ્યા છે જેમાં મહિલાની કોઇ જ સંમતિ નહોતી. બાદમાં આ વીડિયોના માધ્યમથી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી અને વીડિયો જાહેર કરી દેવાની ધમકી પણ આપતો હતો. હવે આ મામલે બુધવારે વધુ સુનાવણી કરવામાં આવશે.



