હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ | Mysterious Disease in Haryana: 12 Dead in 15 Days in Palwal’s Chhainsa Village

![]()
Mysterious Disease in Haryana : હરિયાણાના પલવલ જિલ્લાના છાયંસા ગામમાં રહસ્યમય બીમારીના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં બાળકો સહિત 12 લોકોના મોત થયા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. અચાનક મોતોનો સિલસિલો શરુ થવાના કારણે ગામમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે.
થોડા જ દિવસોમાં અનેક લોકો બીમાર
ગ્રામજનોના જણાવ્યા મુજબ, સૌથી પહેલા કેટલાક લોકોએ ખૂબ તાવ, ઉધરસ, ઉલટી, શરીરમાં દુખાવો અને નબળાઈની ફરિયાદ કરી હતી. કેટલાક દર્દીઓની હાલત એટલી બગડી ગઈ હતી, તેમને તાત્કાલીક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમનો જીવ બચાવી શકાયો ન હતો. ચોંકાવનારી વાત એ છે કે, કેટલાક લોકો થોડા જ દિવસોમાં ગંભીર બીમાર થઈ ગયા.
આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરુ કરી
રહસ્યમય બીમારીના કારણે મોતના આંકડા સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. તંત્રએ ગામમાં કેમ્પ લગાવીને તપાસ શરુ કરી દીધી છે. અત્યાર સુધીમાં 400થી વધુ લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી છે અને 300થી વધુ લોકોના બ્લડ સેમ્પલ એકત્ર કરાયા છે.
ગંદા પાણીના કારણે બીમારી ફેલાઈ
પ્રાથમિક તપાસમાં બે ગ્રામજનોમાં હેપેટાઇટિસ-બી અને હેપેટાઇટિસ-સીની પુષ્ટિ થઈ છે, જોકે ડૉક્ટરોનું કહેવું છે કે, આ પુષ્ટિથી તમામ મોતોનું કારણ જાણવું મુશ્કેલ છે. આરોગ્ય અધિકારીઓએ ગામમાં પીવાના પાણીના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે, જેમાં અનેક મકાનોમાં પાણીમાં બેક્ટેરિયા હોવાનું અને ક્લોરીનની માત્રા ઓછી હોવાનું સામે આવ્યું છે. આનાથી ગંદા પાણીના કારણે બીમારી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
અનેક મેડિકલ ટીમો તહેનાત
છાયંસા ગામના લોકો જુદા જુદા સ્રોતો દ્વારા પાણીનો ઉપયોગ કરે છે. ક્યાં સરકારી સપ્લાયથી પાણીનો તો ક્યાંક ટેમ્કર અને ROના પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. અનેક મકાનોની ટાંકીઓમાં લાંબા સમય સુધી પાણી જમા રખાયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જાય છે. હાલ ગામમાં આરોગ્ય વિભાગની અનેક મેડિકલ ટીમો તહેનાત કરી દેવાઈ છે. ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તંત્રએ ગામજનોને ઉકાળેલું પાણીનો ઉપયોગ કરવાનું અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. તંત્રએ કહ્યું છે કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન


