दुनिया

પાકિસ્તાનની જેન ઝેડમાં દારૂ, ડ્રગ્સના નશા વગરની ડાન્સ પાર્ટીનો ટ્રેન્ડ વધ્યો | The trend of dance parties without alcohol and drugs has increased among Gen Z in Pakistan



– વકરતા આતંકવાદ વચ્ચે કરાચીના યુવાનોની અનોખી પહેલ

– સોબર સોશિયલાઇઝિંગને અપનાવી નશાથી દૂર રહી મ્યૂઝિક, લાઇટિંગ વચ્ચે ડાન્સ કરતા પાકિસ્તાની યુવકો, યુવતીઓની તસવીરો, વીડિયોની ભારે ચર્ચા

– ઇસ્લામિક દેશ પાક.ના કરાચી શહેરમાં માત્ર મહિલાઓ માટેની ડાન્સ પાર્ટીઓ પણ સ્થાનિકોમાં પ્રચલિત

– સરકાર મંજૂરી આપે છે, ડ્રોન કેમેરા સહિતની વ્યવસ્થાને કારણે લોકો આવી પાર્ટીમાં સુરક્ષિત મહેસુસ કરે છે : આયોજકો

– નશીલા પદાર્થો સાથે જ્યારે અન્ડર ગ્રાઉન્ડ પાર્ટી કરતો ત્યારે જે ડર લાગતો તે આ ઓપન પાર્ટીમાં નથી લાગતો : ઝીયા મલિક

– પાક.ના યુવાનો ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન કર્યા વગર સામાજિક જીવનનો આનંદ લઇ રહ્યા છે : કરાચી યુનિ.ના પ્રોફેસર

કરાચી: પાકિસ્તાનમાં યુવાનો દારૂ, ડ્રગ્સ સહિતના કોઇ પણ નશીલા પદાર્થો વગર ડાન્સ પાર્ટી કરવા લાગ્યા છે. પાકિસ્તાનની જેન ઝેડની આ અનોખી પહેલની આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પણ નોંધ લેવાઇ રહી છે. પાકિસ્તાનના શહેર કરાચીમાં દારૂ, ડ્રગ્સ વગર તેમજ કોઇ પણ પ્રકારના ડર વગર યુવકો, યુવતીઓ સાથે મળીને ડાન્સ પાર્ટી કરી રહ્યા છે, મ્યૂઝિક, લાઇટિંગના સહારે પાર્ટી કરતા યુવાનોની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જોકે માત્ર પાકિસ્તાન જ નહીં વિશ્વભરમાં યુવાનો સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરીને નશાથી દૂર રહીને આ પ્રકારની પાર્ટીઓનો એક નવો ટ્રેન્ડ ચલાવી રહ્યા છે જેને સોબર સોશિયલાઇઝિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.  

મુસ્લિમ બહુમત દેશ પાકિસ્તાનમાં વકરી રહેલા આતંકવાદ વચ્ચે યુવાનો અલગ ટ્રેન્ડ સ્થાપિત કરી રહ્યા છે. એક સમયે દારુ, ડ્રગ્સના નશામાં અન્ડરગ્રાઉન્ડ પાર્ટી કરનારા યુવાનો હવે આ તમામ નશીલા પદાર્થોથી દૂર રહીને ખુલ્લેઆમ મ્યૂઝિક અને લાઇટિંગ વચ્ચે ડાન્સનો આનંદ લેતા થઇ ગયા છે. કરાચીમાં ૧૨-એક્સપિરિયન્સ દ્વારા સ્પોર્ટ્સ ક્લબમાં આવી એક પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં બહુ જ મોટી સંખ્યામાં યુવકો, યુવતીઓ જોડાયા હતા. 

આ પાર્ટીમાં સામેલ થયેલા એક પાકિસ્તાનના યુવક ઝીયા મલિકે કહ્યું હતું કે હું અગાઉ અન્ડરગ્રાઉન્ડ પાર્ટીઓમાં જતો હતો, નશાને કારણેે પોલીસ પ્રશાસનથી છૂપાઇને આવી પાર્ટીઓ કરવી પડતી હતી, જોકે દારૂ, ડ્રગ્સ વગરની પાર્ટીઓ કરતો થઇ ગયો કેમ કે આવી પાર્ટીઓમાં મારે છૂપવાની જરૂર નથી રહેતી કે કોઇ પણ પ્રકારનો ડર પણ નથી રહેતો, હું સંપૂર્ણ રીતે સુરક્ષિત મહેસૂસ કરું છું. પાર્ટી આયોજક ૧૨-એક્સપિરિયન્સના   સ્થાપક ઉસ્માન અહમદે કહ્યું હતું કે અમને નશીલા પદાર્થો વગર પાર્ટી કરવાની સરકાર તરફથી છૂટ મળી જાય છે. આ પ્રકારની પાર્ટીઓમાં લોકો સુરક્ષિત મહેસૂસ કરે છે, અમે આયોજન દરમિયાન પણ વોલ માઉન્ટેડ અને ડ્રોન કેમેરાથી તમામ લોકો પર નજર રાખીએ છીએ અને નશીલા પદાર્થો વગર પાર્ટીની છૂટની પોલિસીનો અમલ કરીએ છીએ. ચાંપતી નજર રહેવાને કારણે યુવતીઓની છોડતી કે ખરાબ વર્તનની ઘટનાઓ નથી બનતી અને લોકો સુરક્ષિત મહેસૂસ કરે છે. 

યુવાનોના હાથમાં દારુના પ્યાલાના બદલે કોફી કે ચાના કપ જોવા મળે છે, જેનો આનંદ માણતા માણતા યુવાનો મ્યૂઝિકના તાલે જૂમે છે. આવુ કરવા પાછળનું એક કારણ નશા પર ધાર્મિક પ્રતિબંધો, સરકાર દ્વારા લગાવાયેલા પ્રતિબંધો તો છે જ સાથે સાથે યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે પણ સભાનતા આવી રહી છે. કરાચી યુનિવર્સિટીના પ્રોફેસર કૌસર પરવીને કહ્યું હતું કે આ યુવાનો ધર્મની ઉપર જઇને આ ડાન્સ પાર્ટી વગેરે નથી કરી રહ્યા પરંતુ તેઓ ધર્મમાં રહીને પણ સામાજિક જીવનનો આનંદ લઇ રહ્યા છે. પાકિસ્તાનમાં આવા દારુ, ડ્રગ્સ કે કોઇ પણ નશીલા પદાર્થો વગરની પાર્ટીઓનું પ્રમાણ વધી રહ્યું છે. કેફે, સ્પોર્ટ્સ ક્લબ વગેરે જાહેર સ્થળોએ આ પ્રકારની પાર્ટીઓનું આયોજન થવા લાગ્યું છે. જેમાં યુવતીઓ પણ ભાગ લઇ રહી છે. જ્યારે માત્ર મહિલાઓને જ એન્ટ્રી હોય તેવી ડાન્સ પાર્ટીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. 

કરાચીમાં થર્ડ કલ્ચર કોફી કેફે પર માત્ર મહિલાઓ માટે જ ડાન્સ પાર્ટીનું આયોજન થાય છે, આ આયોજન કરનારી અમતુલ બાવેજાએ કહ્યું હતું કે અનેક મહિલાઓ માટે રાત્રીનું બહારનું જીવન ઘણા સવાલોથી ઘેરાયેલુ હોય છે, સૌથી મોટો સવાલ હોય છે કે ક્યાં જાય છે, કોની સાથે જાય છે, કેટલા સમય સુધી બહાર રહીશ વગેરે. જોકે અમે અમારા કેફેમાં માત્ર મહિલાઓને જ એન્ટ્રી આપીને તેમના માટે એક અલગ આનંદદાયક સ્થળ પુરુ પાડી રહ્યા છીએ. વળી યુવતીઓ, યુવાનો માટેની આ પાર્ટીઓ નવથી દસ વાગ્યા સુધીમાં પુરી પણ થઇ જાય છે. આ યુવાનો સોબર સામાજિકરણ તરફ જઇ રહ્યા છે જેમાં નશીલા પદાર્થો વગર સામાજિક જીવનનો આનંદ માણવામાં આવે છે. જોકે આ પ્રકારની પાર્ટીઓ સસ્તી નથી હોતી, એક વ્યક્તિની ટિકિટનો ખર્ચ આશરે ત્રણ હજારથી ૭૦૦૦ પાકિસ્તાની રૂપિયા (૧૦થી ૨૫ ડોલર) હોય છે. જોકે યુવાનોમાં આ ટ્રેન્ડ બહુ જ પ્રખ્યાત થઇ રહ્યો હોવાથી તેઓ આટલા રૂપિયા ખર્ચીને પણ આનંદ માણી રહ્યા છે.  



Source link

Related Articles

Back to top button