જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો | Karnataka Bengaluru Joy Ride seven students including minors died in a car accident

![]()
Joy Ride Accident: કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક હૈયું વલોવતો અકસ્માત સર્જાયો છે, જેમાં છ શાળાના વિદ્યાર્થીઓ સહિત કુલ સાત લોકોના કંપારીભર્યા મોત નીપજ્યા છે. પોલીસે આપેલી માહિતી મુજબ હોસ્કોટ-દબાસપેટ હાઈવે પર એમ. સત્યવારા પાસે આ અકસ્માત થયો જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક SUV અનેક વાહનો સાથે ટકરાઇ.
જોય રાઈડ માટે પિતાની કાર લઈને નીકળ્યા!
બાદમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખૂલ્યું હતું કે, ધોરણ 10 અને 12માં ભણતા છ વિદ્યાર્થીઓ પરિવારને જાણ કર્યા વિના મોડી રાત્રે જોય રાઈડ માટે પિતાની કાર લઈને નીકળ્યા હતા. અયાન અલી નામનો વિદ્યાર્થી અંદાજે 150-160 કિમીની ઝડપે કાર ચલાવી રહ્યો હતો, જે દરમિયાન તેણે હોસ્કોટથી દેવનહલ્લી જતી વખતે એક મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી દીધી હતી.
7ના મોત
પહેલી ટક્કર બાદ વિદ્યાર્થીએ કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો જે બાદ તે એક કેન્ટર સાથે અથડાઇ હતી જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર તમામ છ વિદ્યાર્થીઓ અને 26 વર્ષીય બાઈક સવાર ગગનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર ફંગોળાઈને સાઈડ બેરિયર સાથે અથડાયો હતો.
મૃતક વિદ્યાર્થીઓના નામ
-અયાન અલી (17)
-અશ્વિન નાયર (17)
-અહરામ શરીફ (16)
-ઈથન જ્યોર્જ (17)
-ભરત (17)
-મોહમ્મદ ફરહાન શેખ (18)
પરિવાર પર દુખોનું આભ તૂટી પડ્યું
મોટાભાગના વાલીઓ એમ જ સમજતા હતા કે તેમના બાળકો ઘરે સૂઈ રહ્યા છે. પણ કાળ મુખી સવારે દરેક મૃતક વિદ્યાર્થીઓના પરિવારને અક્સમાતની જાણ કરવામાં આવતા તેમના પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.
મોટરસાઈકલ સવાર ગગન એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને નાઈટ શિફ્ટ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. તે તેના પરિવારનો એકમાત્ર સહારો હતો, તેની માતા આંશિક દ્રષ્ટિહી છે. પુત્રના અકાળે મોતના સમાચાર સાંભળીને બેભાન થઈ ગઈ હતી. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


