અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahmedabad News Young man attacked with knife in Vastrapur Vastrapur Police Crime Story

![]()
Ahmedabad News: અમદાવાદમાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે આજે શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સામાન્ય બાબતે 21 વર્ષીય યુવક પર હિચકારો હુમલો કર્યો છે. કાર ખસેડવાની બાબતમાં બોલાચાલી બાદ સમાધાન માટે બોલાવી યુવક પર 15 થી 20 લોકોના ટોળાંએ એટેક કરી દીધો હતો જે બાદ યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ ‘ઘુવડ ગેંગ’ સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું છે.
શું છે સમગ્ર મામલો?
આ હુમલાનું કારણ થોડા દિવસ પહેલા સરખેજ વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટના છે, જેમાં એક ચાની કિટલી પાસે કાર ખસેડવા જેવી નજીવી બાબતે આરોપીઓએ કાર પર ડંડાવાળી કરી હતી. જે પછી તે સમયે સરખેજ પોલીસ સ્ટેશનમાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓએ મનમાં ખાર રાખી ગઈકાલે આ જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને મહાવીરસિંહ અને તેના મિત્રો (માસીના દીકરા ક્રિપાલ અને અને બે મિત્રો ધવલ, રવિ)ને વસ્ત્રાપુરના સત્યમ ફ્લેટ પાસેના બાંકડા પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં દગો આપી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
દગો આપી જીવલેણ હુમલો
પીડિતના દાવા મુજબ અચાનક 20 થી 25 જણાના ટોળાએ હુમલો કરી દીધો હતો. પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી નામના શખ્સોએ છરી, ચાકુ, લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો વડે યુવાનોને ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનોને તાત્કાલિક વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સૂત્રોનો દાવો છે કે આરોપીઓ કોઈ ઘુવડ ગેંગ સાથે સંબંધ ધરાવે છે.
પોલીસ પર ગંભીર આરોપ
વસ્ત્રાપુર પોલીસે આ મામલે BNS કલમ 115(2), 118(1)(2), 189, 191(2) અને 190 હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદમાં જીવલેણ હુમલો અને હત્યાનો પ્રયત્નની કલમ ઉમેરવામાં આવી નહોતી. આ પછી પીડિત અને તેમના પરિવાર દ્વારા PI L L ચાવડાને રિકવેસ્ટ કરવામાં આવી હતી કે, આ ફરિયાદમાં જીવલેણ હુમલાની અને હત્યાના પ્રયત્નની કલમ ઉમેરવામાં આવે. જે PI L L ચાવડા દ્વારા ધ્યાને લેવામાં આવ્યું ન હતું.



