મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ | Mahashivratri fair likely to see increase in pilgrims today last day tomorrow

![]()
દર વર્ષ કરતાં ઓછી ભીડ છતાં કોલર ઊંચા કરતું તંત્ર
ઉત્સાહમાં પગપાળા પહોંચી ગયેલા મોટાભાગના લોકો ગિરનાર દરવાજા સુધી આવવામાં ત્રાહીમામ થઈ ગયા
જૂનાગઢ: મહાશિવરાત્રિ મેળાના ત્રીજા દિવસે આજે લોકો પગપાળા તળેટીમાં પહોંચ્યા હતા. ઉત્સાહમાં પહોંચી તો ગયા પરંતુ પરત ગિરનાર દરવાજા સુધી આવવામાં ત્રાહીમામ થઈ ગયા હતા. આવતીકાલ- શનિવારે મેળામાં વધુ લોકો આવવાની સંભાવના છે. તા.૧૫ના મહાશિવરાત્રિના મેળાનો અંતિમ દિવસ છે ત્યારે મેળો ચરમસીમાએ પહોચશે. આજે દિવસભર મેળા ગ્રાઉન્ડમાં લોકો જોવા મળ્યા હતા પરંતુ દર વર્ષે જેવી મેદની થઈ ન હતી તેમ છતાં તંત્ર પોતાની ટંગડી ઊંચી રાખવા વધુ ભીડ હોવાના દાવાઓ કરી રહ્યું છે.
મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે રાત્રીના ભવનાથ મંદિર ખાતે લેસર શો યોજાયો હતો. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભીડ રહી હતી, જ્યારે મેળાના ત્રીજા દિવસે આજે સવારથી લોકોનો ભરડાવાવ તરફથી લોકોનો પ્રવાહ વહેતો રહ્યો હતો. આજે શહેરના લોકોની સંખ્યા જોવા મળી હતી. આકરા તાપમાં પગપાળા તળેટીમાં પહોંચ્યા હતા, ત્યાં ભવનાથ મંદિર તેમજ સાધુ સંતોના ધુણાના દર્શન કરી અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લીધો હતો. બપોરે આકરો તાપ હોવાથી ઉતારાઓ અને આશ્રમોમાં આરામ કર્યો હતો. સવારે મેળામાં ગયેલા મોટાભાગના લોકો બપોર બાદ પરત આવી ગયા હતા. ઉત્સાહમાં પગપાળા ગયેલા અનેક લોકો તળેટીથી પરત ગિરનાર દરવાજા સુધી આવવામાં ત્રાહીમામ પોકારી ગયા હતા. વાહન પણ દુર ઉભા રાખવામાં આવતા હોવાથી લોકોએ એકાદ કિમી વધુ ચાલવુ પડી રહ્યું છે.
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ પરંપરાગત મેળામાં પહેલીવાર વાહનને પ્રવેશબંધી કરવામાં આવતા અનેક લોકોએ મેળામાં જવાનું માંડી વાળ્યું હતુ. દરવર્ષ મેળામાં જતા લોકોએ જણાવ્યું હતું કે દરવર્ષે બીજા ત્રીજા દિવસે જે ભીડ હોય છે એટલી ભીડ નથી. મેળા ગ્રાઉન્ડમાં દતચોક, ભવનાથ મંદિર અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્ટેજ આસપાસ ભીડ દેખાય છે બાકીના વિસ્તારમાં સામાન્ય ભીડ રહે છે. દરવર્ષે જે લોકો મેળામાં આવે છે એટલા ન આવતા અનેક ધંધાર્થીઓ પર અસર પડી છે તેમ છતાં તંત્ર પોતાની તંગડી ઊંચી રાખી યોગ્ય નિર્ણયનો દાવો કરી રહ્યું છે પરંતુ લોકોની જે હાલત થઈ છે તેની કોઈ દરકાર કરવામાં આવતી નથી.
આ લોકો મને અહીં સુધી લાવ્યા, હું અત્યારે એમને કેમ છોડી શકું
ગતરાત્રીના એક વૃદ્ધ સાધુ સેવકોની કારમાં મેળામાં આવ્યા હતા. તેઓની કારને ભરડાવાવ નજીક રોકી દેવામાં આવી હતી. બહારના લોકોને વાહન નહિ જાય એવી જાણ ન હોવાથી વૃધ્ધ સાધુ માટે તો વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ સાધુએ આ લોકો મને દૂરથી અહીં સુધી લાવ્યા છે તો હું એમને આ અહીં કેમ છોડી શકું એવો સવાલ કર્યો હતો. બાદમાં તેઓના સેવકોને પગપાળા જવું પડયું હતું.
દર વર્ષે સરકારી કારમાં ફરતા અધિકારીઓ- કર્મચારીઓ એસટી બસમાં તોબા તોબા
મેળા દરમ્યાન સરકારી અધિકારીઓ કર્મચારીઓ સરકારી ગાડીઓમાં ફરતા હતા પરંતુ આ વખતે તેઓને એસટી બસમાં જવા આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બહાઉદીન કોલેજ ખાતેથી બસ ઉપડે છે તેમાં કોઈ કર્મચારીને તેના અધિકારી તાકીદે બોલાવે તો વિલંબ થાય છે એ સમયસર પહોંચી જાય તો અમુક કર્મચારી બાકી હોય તો બસ ઉપડવામાં વિલંબ થાય છે. આ વ્યવસ્થાના કારણે કર્મચારીઓ અધિકારીઓ તૌબા પોકારી ગયા છે પરંતુ કોને કહેવું એવો સવાલ ઉઠી રહ્યો છે.



