લીંબડીમાં ખુલ્લી ગટરમાં ખાબકતા ગાયનું મોત, પાલિકા તંત્ર સામે રોષ | Cow dies after being sucked into open drain in Limbdi anger against municipal administration

![]()
– તંત્રની બેદરકારીએ અબોલનો જીવ લીધો
– 20 ફૂટ પહોળી અને ઊંડી ગટરને ઢાંકવા અથવા આડસ ઉભી કરવા જીવદયા પ્રેમીઓની માંગ
લીંબડી : લીંબડી-ધંધુકા મુખ્ય માર્ગ પર તાલુકા પંચાયત સામે આવેલી ૨૦ ફૂટથી વધુ પહોળી અને ૫ ફૂટથી વધુ ઊંડી ગટરમાં ગાય ગંભીર રીતે ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢી હતી. જોકે, ગંભીર ઈજાઓ થવાને કારણે ગાયનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને જીવદયા પ્રેમીઓમાં પાલિકાની બેદરકારી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાલિકા તંત્ર દ્વારા ગટરની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે ત્યાં ઘાસ અને બાવળ ઉગી નીકળે છે. આ ઘાસ ખાવા જતાં અબોલ પશુઓ અવારનવાર ગટરમાં ખાબકે છે. તેમજ ગટર લાઈનમાં આસપાસ ના વેપારીઓ દ્વારા કચરો નાખવામાં આવે છે. આ મુખ્ય માર્ગ પરથી દિવસભર સેંકડો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે, છતાં તંત્ર દ્વારા સુરક્ષાની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના રોકવા માટે ગટરની ફરતે તારની વાડ અથવા દીવાલ બનાવી તેને સત્વરે ઢાંકવામાં આવે.



