સ્પોટિફાઈમાં એઆઈ ક્રાંતિ : ટોપ ડેવલપર્સે કોડ લખવાનો બંધ કર્યો | Spotify AI revolution: Top developers stop writing code

![]()
– મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપનીનો કોડ એઆઈ જ લખે છે
– કંપનીના કુલ 7,323 કર્મચારીઓ છે. જેમાંથી, 2700થી વધુ સોફ્ટવેર ડેવલપર્સ છે
– બગ ઠીક કરવા, નવા ફીચર્સ ઉમેરવા અથવા એપમાં ફેરફાર જેવા કામ માટે એઆઈનો ઉપયોગ કરાય છે
સ્ટોકહોમ : વિશ્વની જાણીતી મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની સ્પોટિફાઈએ સોફ્ટવેર બનાવવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે. મહિને ૭૫ કરોડ એક્ટિવ યુઝર્સ ધરાવતી કંપનીએ જણાવ્યું કે, તેમના બેસ્ટ ડેવલપર્સે ડિસેમ્બર પછીથી એક પણ લાઈનનનો કોડ લખ્યો નથી. હવે, મોટાભાગનું કોડિંગનું કામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા થઈ રહ્યું છે. કંપનીના કો-સીઈઓ ગુસ્તવ સોડર્સ્ટોર્મે તાજેતરના કાર્યક્રમ દરમિયાન આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, એઆઈ ટૂલ્સની મદદથી હવે ડેવલપર્સ કોડ લખવાની જગ્યાએ એઆઈને સૂચના આપે છે. ત્યારબાદ, એઆઈ આપમેળે કોડ તૈયાર કરે છે.
રિપોર્ટ મુજબ, સ્પોટિફાઈએ હોંક નામની એઆઈ સિસ્ટમ ડેવલપ કરી છે. આ સિસ્ટમ જનરેટિવ એઆઈ ટેકનોલોજી પર આધારિત છે. ડેવલપર્સ સ્લેક મારફતે હોંકને સૂચનાઓ આપે છે. જેમ કે, કોઈ બગ ઠીક કરવો, નવો ફીચર ઉમેરવો અથવા એપમાં ફેરફાર કરવો. ત્યારબાદ, એઆઈ કોડ બનાવીને એપનું અપડેટેડ વર્ઝન તૈયાર કરે છે.
કંપનીના જણાવ્યા અનુસાર, એઆઈ સિસ્ટમને કારણે તેમની કામ કરવાની સ્પીડ વધી ગઈ છે. તેઓ ઝડપથી નવા ફિચર્સ લોન્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, સ્પોટિફાઈએ ગત વર્ષે ૫૦થી વધુ નવા ફીચર્સ લોન્ચ કર્યા હતા. જેમાં, એઆઈ પ્રોમ્પ્ટેડ પ્લેલિસ્ટ, ઓડિયોબુક્સ માટે પેજ મેચ, અબાઉટ ધીસ સોંગનો સમાવેશ થાય છે.
એઆઈને કારણે ડેવલપર્સની ભૂમિકા બદલાઈ ગઈ છે. તેઓ એઆઈ દ્વારા બનાવવામાં આવેલા કોડની ચકાસણી કરે છે. ડિઝાઈન અને પ્લાનિંગ પર વધુ ધ્યાન આપે છે અને મોટા નિર્ણયો લે છે. સ્પોટિફાઈનું આ પગલું ટેક ઈન્ડસ્ટ્રી માટે સિમાચિન્હ રૂપ છે. ઘણા નિષ્ણાતો માની રહ્યાં છે કે, ભવિષ્યમાં વધુ કંપનીઓ એઆઈ આધારિત કોડિંગ અપનાવશે.
સ્પોટિફાઈ : વિશ્વની સૌથી મોટી ઓડિયો સ્ટ્રીમિંગ સર્વિસ
સ્પોટિફાઈની સ્થાપ્ના ડેનિયલ એક અને માર્ટિન લોરેન્ત્ઝોન દ્વારા એપ્રિલ ૨૦૦૬માં સ્વીડનમાં કરવામાં આવી હતી. તેને શરૂ કરવા પાછળનો ઉદ્દેશ ગેરકાયદેસર મ્યુઝિક ડાઉનલોડ રોકવાનો હતો. આજે, સ્પોટિફાઈ વિશ્વની સૌથી મોટી ઓડિયો સ્ટ્રીમિંગ સર્વિસ છે. તેમાં ૧૦ કરોડથી વધુ ગીતો છે. તેમની પાસે ૭૦ લાખ પોડકાસ્ટ છે. જેમાં, ૫.૩ લાખથી વધુ વિડીયો પોડકાસ્ટ છે. આ સાથે જ તેમની પાસે ૩.૫ લાખથી વધુ ઓડિયોબુક્સનું કલેક્શન છે. ૨૦૨૫ના આંકડા મુજબ, કંપનીની વાર્ષિક આવક અંદાજે ૨૨ અબજ ડોલર હતી. સ્પોટિફાઈએ ૨૦૨૫માં વિશ્વની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને ૧૧ અબજથી વધુ રકમ આપી હતી. તેમણે અત્યાર સુધીમાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને ૭૦ અબજ ડોલરથી વધુ રકમ આપી છે. સ્પોટિફાઈની માર્કેટ વેલ્યુ ૧૧૦ અબજ ડોલર છે. સ્પોટિફાઈના ૭૫ કરોડ જેટલા માસિક એક્ટિવ યુઝર્સ છે. જ્યારે, ૨૯ કરોડ પેઈડ સબ્સ્ક્રાઈબર્સ છે.



