કેનેડા પર 100% ટેરિફ ઝીંકવા જતાં ટ્રમ્પને લપડાક પડતા રહી ગઇ, જુઓ અમેરિકન સંસદમાં શું થયું? | Trump stunned by strong opposition to tariffs on Canada in US Congress

![]()
Donald Trump and Canada News : અમેરિકન પ્રમુખ ટ્રમ્પને કેનેડા પરના બિલને લઈને વોટિંગમાં બરોબરની લપડાક પડતા રહી ગઈ છે. ટ્રમ્પના કેનેડા સામેના વિરોધમાં કેટલાક રિપબ્લિકનોએ પણ ડેમોક્રેટ્સને સાથ આપતા આ બિલ 219-211થી માંડ-માંડ પસાર થયુ હતુ. એક સમયે તો આ બિલ પસાર નહીં થઈ શકે તેમ લાગતુ હતુ. રિપબ્લિકનોના અંકુશવાળી પ્રતિનિધિ સભાએ કોઈ બિલને લઈને પ્રમુખનો વિરોધ કર્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
ટ્રમ્પને ટેરિફના પાવરમાં રસ છે અને તેની મદદથી તે અમેરિકાના વ્યાપારિક ભાગીદારોને વાટાઘાટના ટેબલ પર લાવવા માંગે છે. ટ્રમ્પના આ વલણના કારણે અમેરિકાના જ બીજા લોકોને ચિંતા છે કે આના કારણે અમેરિકન કારોબારો વેપાર યુદ્ધમાં સપડાઈ જશે અને અમેરિકનોએ મોંઘવારીનો સામનો કરવાનો આવશે.
અમેરિકન ડેમોક્રેટ્સ સાંસદ ગ્રેગરી મીક્સે જણાવ્યું હતું કે આજનું મતદાન સાવ સરળ હતું. તમારે અમેરિકન કુટુંબના જીવનધોરણના ખર્ચને નીચુ લાવવુ છે કે ફક્ત એક જ વ્યક્તિને વફાદાર રહીને અમેરિકનોને મોંઘવારીનો ભોગ બનવા દેવા છે. કેનેડાના ચીન સાથેના ટ્રેડ ડીલથી નારાજ ટ્રમ્પે તેના પર 100 ટકા ટેરિફ નાખવાની ધમકી આપી છે.
આના પગલે અમેરિકાના તેના લાંબા સમયના સહયોગી કેનેડા અને તેના પીએમ માર્ક કાર્ની સાથેના સંબંધો વણસ્યા છે. ગૃહના વડા જહોન્સને કેનેડા પર ટેરિફને લઈને ડેમોક્રેટ્સ અને રિપબ્લિકનો વચ્ચેના સંઘર્ષને અટકાવતા જણાવ્યું હતું કે તેઓએ આ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ.
અમેરિકાના નીચલા ગૃહમાં થયેલું મતદાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની બેચેનીની ઝલક આપે છે. સેનેટે અસંતોષ વ્યક્ત કરતાં પહેલાં જ કેનેડા અને અન્ય દેશો પર ટ્રમ્પના ટેરિફને હટાવવાની તરફેણમાં મતદાન કર્યુ છે, પરંતુ આ ટેરિફમાં કાપનો પ્રસ્તાવ બંને ગૃહોએ પસાર કરીને સહી કરવા ટ્રમ્પને જ મોકલવો પડશે.



