અદ્ભૂત વિડીયો બનાવતું એડવાન્સ એઆઈ મોડલ સીડેન્સ 2.0 લોન્ચ | Advanced AI model Cedence 2 0 launched to create amazing videos

![]()
– ટિકટોકની કંપનીનું વિડીયો મોડલ વાયરલ
– સામાન્ય ભાષામાં લખેલા પ્રોમ્પ્ટના આધારે તે સ્ટોરીલાઈન આધારિત વિડીયો જનરેટ કરી શકે છે
બેઈજિંગ : ચીનની કંપનીએ જાન્યુઆરી ૨૦૨૫માં એઆઈ મોડલ ડીપસીક લોન્ચ કરીને સૌને ચોંકાવ્યા હતા. હવે, ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સે તેનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિડીયો મોડલ સીડેન્સ ૨.૦ને લોન્ચ કર્યું છે. આ મોડલ ચીની સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ઘણા યુઝર્સ તેને એઆઈ સેક્ટરમાં ક્રાંતિ ગણાવી રહ્યા છે.
સીડેન્સ ૨.૦ ટેકસ્ટ, એક જ ફોટો, ઓડિયો અને વિડીયો પ્રોમ્પ્ટના આધારે સિનેમેટિક સ્ટોરીલાઈન આધારિત વિડીયો જનરેટ કરી શકે છે. ચીનની નંબર-૧ સોશિયલ મીડિયા સાઈટ વાઈબો પર તે વાયરલ થયું છે. આ મોડલ સંબંધિત વિડીયોઝને કરોડો વ્યૂ મળ્યા છે. યુઝર્સ તેની મદદથી ક્રિએટિવ અને હાઈ-ક્વોલિટી વિડીયોઝ બનાવી રહ્યા છે. ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કે પણ આ મોડલની પ્રશંસા કરી હતી.
ડીપસિક થોડા સમયમાં તેનું નવું મોડલ લોન્ચ કરવાની છે ત્યારે ટેક જાણકારોના મતે, સીડેન્સ ૨.૦ ચીન માટે ડીપસિક જેટલું જ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મોડલ ફિલ્મ, જાહેરાત, અને ઈ-કોમર્સ જેવા સેક્ટર્સ પર ઊંડી અસર છોડશે. આ સાથે જ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ પર આ મોડલ વધુ લોકપ્રિય બની શકે છે.
વાઈબો પર વાયરલ થયેલા એક વિડીયોમાં અમેરિકન રેપર કાન્યે વેસ્ટ અને રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયનને ચીનના મહેલમાં બતાવવામાં આવ્યા છે. વાયરલ વિડીયોમાં તેઓ ચીની ભાષા મેન્ડેરિનમાં વાતચીત કરીને ગીત ગાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા સાઈટ પર આ વિડીયો એકદમ સાચો દેખાતો હોવાની અનેક કોમેન્ટ્સ કરવામાં આવી હતી.



