હું PM મોદીનું રાજકીય કરિયર ખતમ કરવા નથી માંગતો’, ટ્રમ્પના જૂના વીડિયો પર ભારતની પ્રતિક્રિયા- ઉચિત કાર્યવાહી કરીશું | pm modi political career end trump statement indian mea Reaction

![]()
Trump PM Modi Old Video Viral: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય કરિયરને લઈને ભૂતકાળમાં આપવામાં આવેલા એક નિવેદન પર ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે વીડિયો સાચો હોય કે ખોટો, તપાસ કરી યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે.
શું હતો સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, 15 ઑક્ટોબર 2025ના રોજ વ્હાઇટ હાઉસમાં એક સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અંદાજમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તે સમયે ભારત રશિયા પાસેથી તેલની મોટા પાયે ખરીદી કરતું હતું, જેના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં વધારે પડતી ખટાશ આવી ગઈ હતી. તેવામાં સંબોધનમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તેવો ભરોસો આપ્યો છે. ત્યારબાદ ટ્રમ્પે PM મોદીને ‘મહાન વ્યક્તિ’ ગણાવતા રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, ‘મોદી ટ્રમ્પને પ્રેમ કરે છે, બાદમાં તેમણે ભૂલ સમજાઈ હતી, જેથી કહ્યું કે હું નથી ઇચ્છતો કે ‘પ્રેમ’ શબ્દને ખોટી રીતે રજૂ કરવામાં આવે, કારણ કે હું તેમનું પોલિટિકલ કરિયર બરબાદ કરવા નથી માંગતો.’ ભારત અમેરિકાની ટ્રેડ ડીલ વચ્ચે જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેને અલગ રીતે દર્શાવવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા
આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થતાં વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા રણધીર જયસ્વાલને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘મેં આ વીડિયો જોયો નથી. જો આવો કોઈ વીડિયો અસ્તિત્વમાં છે, પછી ભલે તે સાચો હોય કે ખોટો, અમે તેની તપાસ કરીશું અને તેના પર યોગ્ય એક્શન લઈશું.’
આ પણ વાંચો: સાઉદી ‘વિઝન 2030’ હેઠળ ઊંટોને પણ પાસપોર્ટ આપી રહ્યું છે, જાણો તેની પાછળનું રસપ્રદ કારણ
ભારતનું વલણ સ્પષ્ટ
ટ્રમ્પે ભલે તે સમયે દાવો કર્યો હોય કે ભારતે તેલ ખરીદી અંગે ખાતરી આપી છે, પરંતુ ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે તેના માટે 140 કરોડ ભારતીયોની ‘ઊર્જા સુરક્ષા’ સૌથી વધુ મહત્ત્વની છે. ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને જ આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેશે.


