”નાટો” અમેરિકાના ઇશારે ચાલે છે જ્યારે બ્રિક્સ દેશો આપસી સહમતીથી નિર્ણય લે છે : લાવરોલ | ‘NATO’ follows American lead while BRICS countries make decisions by mutual consent: Lavrov

![]()
– પશ્ચિમ અને તે સિવાયના દેશો વચ્ચે વધતી તંગદિલી સમયે આ વિધાનો થયાં છે
– બ્રિક્સ સંગઠન કે એસ.સી.ઓ. સહિત અન્ય મંચો પર કોઈ એક દેશનો દબદબો નથી હોતો તેમાં દરેક દેશોને સમાન મહત્વ અપાય છે
નવી દિલ્હી : રશિયાના વિદેશ મંત્રી સર્ગી લાવરોવે પશ્ચિમના દેશો અને નાટો ઉપર જબરજસ્ત હુમલો કર્યો છે. તેમણે કહ્યું બ્રિક્સ સંગઠન આપસી સહમતીથી નિર્ણય લે છે જ્યારે નાટો સંપૂર્ણ રીતે અમેરિકાના ઇસારે ચાલે છે.
લાવરોવનું નિવેદન તેવા સમયે આવ્યું છે કે જ્યારે દુનિયામાં પશ્ચિમનાં દેશો અને પશ્ચિમ સિવાયના દેશો વચ્ચે તંગદિલી વધતી જાય છે. તે તંગદિલી રાજકીય ઉપરાંત આર્થિક પણ છે.
રશિયાના વિદેશમંત્રીએ એક ઇંટરવ્યુમાં આગળ કહ્યું કે બ્રિક્સ અને સાંઘાઈ કોઓપરેશન સંગઠન (એસ.સી.ઓ.) તેમજ તેના જેવાં અન્ય સંગઠનો ઉપર એક દેશનો દબદબો નથી હોતો, ત્યાં દરેક દેશોની સૂચનાઓને સમાન મહત્વ અપાઈ રહે છે અને નિર્ણય ત્યારે જ લેવાય છે કે જ્યારે તમામ દેશો સહમત હોય. તેથી તે સંગઠનો વિશ્વસનીય બની રહ્યાં છે, જ્યારે નાટોમાં તો, અમેરિકા જે કહે તે બધા સભ્ય દેશોએ સ્વીકારવું પડે છે. ત્યાં ચર્ચા થોડી અને આદેશો વધુ તેવો ખેલ ચાલે છે, યુરોપીય દેશો તેમની ઇચ્છા વિરુધ્ધ પણ અમેરિકાના આદેશોને સમર્થન આપવા માટે મજબૂર છે.
રશિયાના વિદેશમંત્રીએ યુરોપીય સંઘ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે યુરોપીય દેશોની કેટલીયે સરકારોએ બુ્રસેલ્સ (નાટોનું મુખ્ય મથક) અને વૉશિંગ્ટનનાં દબાણમાં જ નિર્ણય લેવો પડે છે. તેથી લોકતંત્ર નબળું પડે છે. અને તેમના દેશોની જનતાને સહન કરવું પડે છે.
લાવરોવે સ્પષ્ટતા કરી હતી કે ‘બ્રિક્સ’ કોઇની વિરુધ્ધ નથી. તેનો હેતુ તેટલો જ છે કે દુનિયામાં એક એવો મંચ હોય કે જેમાં દરેક દેશોને સમાન સન્માન મળે. આજે તો કેટલાયે દેશો પશ્ચિમનાં દબાણથી પરેશાન છે તેથી તેઓ બ્રિક્સ તરફ જોઈ રહ્યા છે.
વિશેષજ્ઞાો માને છે કે લાવરોવનાં આ વિધાનો બદલાતી વૈશ્વિક રાજનીતિ પ્રત્યે ઇશારો કરે છે કે જેમાં અમેરિકા અને પશ્ચિમનાં પ્રભુત્વથી અલગ એક સંતુલિત વ્યવસ્થા ઉભી થાય.


