પેમેન્ટ ના થતા પાકિસ્તાનની હોકી ટીમના ખેલાડીઓએ હોટલની બહાર રહેવું પડયું | Pakistan hockey team players had to stay outside the hotel due to non payment

![]()
કેનબરા,૧૨ ફેબુ્આરી,૨૦૨૬,ગુરુવાર
ઓસ્ટ્રેલિયામાં હોકી રમવા ગયેલી પાકિસ્તાનની હોકી ટીમનું હોટલ ભાડું ચુકવવામાં નહી આવતા ખેલાડીઓએ કલાકો સુધી હોટલ બહાર રહેવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના હોકી મહાસંઘે પેમેન્ટ નહી કરતા બુકિંગ રદ્ થઇ ગયું હતું. પાકિસ્તાનની ટીમ હોબાર્ટમાં એફઆઇએચ પ્રો લીગની બીજા ચરણની મેચ રમવા માટે ઓસ્ટ્રેલિયામાં છે.
ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ સ્ટાફે કેનબરાના એક ચાર સિતારા (ફોર સ્ટાર) હોટલમાં બુકિંગ કરાવ્યું હતું. આનું પેમેન્ટ પાકિસ્તાન સ્પોર્ટસ બોર્ડ કરવાનું થતું હતું. કેનબરામાં પહોંચ્યા પછી અહીં કોઇ જ હોટલમાં બુકિંગ કરવામાં આવ્યું નથી. ટીમના મુખ્ય કોચ તાહિર જમાન ટાઇમ ઝોન જુદો પડવાથી પીએસબી અને પીએચએફ અધિકારીઓનો સંપર્ક કરી શકયા ન હતા. લાહોરથી લાંબી મુસાફરી કરીને ખેલાડીઓ આવ્યા હોવાથી આરામ કરવાની જરુર છે પરંતુ આરામ માટે કોઇ જ જગ્યા નથી.
કલાકો સુધી બહાર રહયા પછી હોટલ પ્રબંધને કેટલાક રુમ ફાળવી આપ્યા હતા. હોટલમાં રુમ પુરતા ખાલી નહી હોવાથી એક રુમમાં બે ખેલાડીઓને રહેવાની મજબૂરી સહન કરવી પડી હતી. આ ઘટનાના બીજા દિવસે યોજાયેલી હોકી મેચમાં ૨-૩ થી પાકિસ્તાનનો પરાજય થયો હતો. પાકિસ્તાન હોકી ટીમ પરાજય કરતા તો મેનેજમેન્ટના છબરડાથી વધુ ચર્ચામાં રહે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે પાકિસ્તાનની હોકી ટીમ કેનબરામાં વ્યવસ્થાપક (મેનેજર) વિના ગઇ હતી.
હોકી મેનેજર અને પૂર્વ ઓલંપિયન અંજુમ સઇદ ફલાઇટમાં સિગરેટ પીતા પકડાયો હતો. એરપોર્ટના સુરક્ષા અધિકારીઓ સાથે ટકરાવ થયો હતો. કેનબરામાં રહેતા કેટલાક સ્થાનિક પાકિસ્તાનીઓએ મદદ કરી હતી. પાકિસ્તાન પ્રો લીગની તમામ ૬ મેચ હારી ગયું છે. અગાઉ આર્જેન્ટિનામાં પ્રો લીગ મેચના પ્રથમ ચરણમાં ખેલાડીઓ દૈનિકને દૈનિક ભથ્થા મળતા ન હતા. વિદેશીભૂમિ પર નાણાની તંગી સર્જાતા ખેલાડીઓની કફોડી સ્થિતિ બની હતી.


