दुनिया

ટ્રેડ ડીલમાં ભારત હવે અમેરિકાની દાળો પર ટેરિફ વસૂલી શકશે | India will now be able to levy tariffs on US pulses in trade deal



– અમેરિકાએ સુધારેલી ફેક્ટશીટમાંથી દાળોને દૂર કરી, શરતોના શબ્દો પણ નરમ કર્યા

– અમેરિકાએ 500 અબજ ડોલરનો અમેરિકી સામાન ખરીદવા ભારત ‘વચનબદ્ધ’ છેના સ્થાને ‘ઇરાદો’ રાખે છે તેવા શબ્દનો પ્રયોગ કર્યો

વોશિંગ્ટન : અમેરિકાએ ભારત સાથેના વેપાર કરારો પર જારી ફેક્ટશીટમાં મોટા ફેરફાર કર્યા છે અને વિવિધ દાળોને હટાવી દેવામાં આવી છે. જેને પગલે અમેરિકાથી જેટલી પણ વસ્તુઓ ભારતમાં આયાત કરવામાં આવશે અને જેના પર શૂન્ય ટકા અથવા ઓછો ટેરિફ લાગશે તેમાં અમેરિકન દાળોનો સમાવેશ નહીં થાય. આ ઉપરાંત ભારત અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે તે દાવામાં અમેરિકાએ જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેને પણ નરમ કરી દેવામાં આવી છે.  

આ પહેલા અમેરિકાએ જે નોટ્સ જારી કરી હતી તેમાં દાવો કર્યો હતો કે ભારત અમેરિકાની દાળો પર ટેરિફ ઓછો કરશે હવે અપડેટ કરાયેલ ફેક્ટશીટમાં આ દાવાને પુરી રીતે હટાવી દેવામાં આવ્યો છે. જેને પગલે અમેરિકન દાળો પર ભારત નિયમો મુજબ ટેરિફ વસુલી શકશે,  આ ઉપરાંત ભારત અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડોલરના માલ સામાનની ખરીદી કરશે તે દાવામાં જે ભાષાનો પ્રયોગ કર્યો હતો તેના શબ્દોમાં ફેરફાર કરાયો છે અને ભારત વચનબદ્ધ છે તેના સ્થાને ભારતનો ઇરાદો છે તેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 

ભારત સાથેની ચર્ચાસ્પદ ટ્રેડ ડીલ પર અમેરિકાએ જે નવી સુધારાવાળી ફેક્ટશીટ જાહેર કરી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાનો તમામ ઇન્ડસ્ટ્રીયલ સામાન, ખાદ્ય અને કૃષિ પેદાશો કે સામાન જેમ કે સુકા અનાજ, લાલ જુવાર, ટ્રી નટ્સ (ઝાડ પર ઉગતા સુકા મેવા જેમ કે બદામ અખરોટ વગેરે), તાજા અને પ્રોસેસ કરાયેલા ફળો, સોયાબીન તેલ, દારુ અને સ્પિરિટ્સ વગેરે અમેરિકી વસ્તુઓ પર ભારત ટેરિફ સંપૂર્ણ હટાવી નાખશે અથવા તો ઘટાડશે. 

અમેરિકાએ નવી ફેક્ટ શીટમાં કહ્યું છે કે ભારત અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડોલરની વસ્તુઓ, યુએસ એનર્જી, માહિતી અને પ્રસારણ ટેક્નોલોજી, કોલસો અને અન્ય પદાર્થો ખરીદવા માટેનો ઇરાદો ધરાવે છે. અગાઉ આ લાઇનમાં ઇરાદાના સ્થાને વચનબદ્ધ છે તેવો શબ્દ અમેરિકાએ વાપર્યો હતો જેને હટાવી લેવાયો છે.  જ્યારે વેપાર સચીવ રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે ભારત માટે જે પણ ક્ષેત્રો અત્યંત સંવેદનશીલ છે તેને અસર ના થાય તેની પુરી તકેદારી સાથે આ ડીલ કરવામાં આવી રહી છે. બન્ને દેશોની ટીમ સંયુક્ત નિવેદનને એક કાયદેસરના કરારમાં ફેરવવા માટે કામ કરી રહી છે.  અને માર્ચ મહિનાના અંત સુધીમાં તેને અંતિમ સ્વરુપ આપી દેવામાં આવશે.     

યુએસનો યુ-ટર્ન પીઓકે, અક્સાઇ ચીનને ભારતનો ભાગ ગણાવતી પોસ્ટ હટાવી

વોશિંગ્ટન : પાકિસ્તાને કબજે કરેલા પીઓકે અને અક્સાઇ ચીનના વિસ્તારોને ભારતનો હિસ્સો ગણાવતો એક નક્શો અમેરિકાએ જાહેર કર્યો હતો. જોકે હવે આ નક્શો જાહેર કરતી પોસ્ટને અમેરિકાએ સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી છે. એટલુ જ નહીં પોસ્ટ કેમ હટાવી છે તેને લઇને કોઇ સ્પષ્ટતા પણ અમેરિકા દ્વારા નથી કરવામાં આવી. ભારતે હંમેશા કહ્યું છે કે પીઓકે પણ ભારતનો જ હિસ્સો છે, અક્સાઇ ચીન પણ ભારતનો ભાગ છે. ભારતના આ દાવાને સમર્થન આપતો નક્શો અમેરિકાએ જાહેર કર્યો તેના ૨૪ કલાક બાદ પલટી મારી હતી અને આ નક્શા સાથેની પુરી પોસ્ટ સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી હતી.

ગયા વર્ષે ભારત-પાક. વચ્ચે ઘર્ષણમાં 10 વિમાનો તૂટી પડયા હતા : ટ્રમ્પે સંખ્યા વધારી

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત દાવો કર્યો છે કે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે જે ઘર્ષણ થયું તે સમયે ૧૦ વિમાનો તુટી પડયા હતા. અગાઉ ટ્રમ્પે તુટી પડેલા વિમાનોની જે સંખ્યા દર્શાવી હતી તેમાં હવે વધારો કરી દીધો છે. આ સાથે જ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે મે પ્રમુખ તરીકેના બીજા કાર્યકાળ દરમિયાન આઠ યુદ્ધોને શાંત પાડયા જેમાં છ યુદ્ધો ટેરિફની રણનીતિને કારણે શાંત પાડવામાં આવ્યા. ટ્રમ્પ અનેક વખત ભારત અને પાકિસ્તાનના યુદ્ધને પોતે જ અટકાવ્યું હોવાનો દાવો કરી ચુક્યા છે. 

જોકે કોઇ ત્રીજા દેશની ભૂમિકા હોવાનો દાવો ભારત ફગાવી ચુક્યું છે. તેમ છતા ટ્રમ્પે ફરી કહ્યું છે કે મારા ખ્યાલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનું હતું, બન્ને દેશો ખરેખર પરમાણુ યુદ્ધ માટે તૈયાર હતા. ૧૦ વિમાનો તોડી પાડયા હતા. પાક.ના વડાપ્રધાને મને કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે ઓછામાં ઓછા ૧ કરોડ લોકોનો જીવ બચાવ્યો છે.



Source link

Related Articles

Back to top button