ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended female constable of Bharatnagar Police Station attempts suicide by swallowing poison

![]()
– મહિલાના ભાઈએ ડીવાયએસપી વિરૂધ્ધ ગુનો નોંધવા કરી માંગ
– ડીવાયએસપી રીમા ઝાલા ત્રાસ આપી ખોટા કેસ કરતા હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો
ભાવનગર : ભાવનગર પોલીસ તંત્ર ફરી એક વખત વિવાદના વંટોળમાં ફસાયું છે. ભરતનગર પોલીસ મથકના સસ્પેન્ડેડ અને દાહોદ ખાતે બદલી કરાયેલા મહિલા કોન્ટેબલે આજે બોટાદના ગેસ્ટહાઉસમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ડીવાયએસપીના ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર બન્યા હોવાનો મહિલા કોન્સ્ટેબલ વીડિયો વાયરલ કર્યો હતો. મહિલા કોન્સ્ટેબલના ભાઈએ જવાબદાર પોલીસ અધિકારી સામે ગુનો નોંધવાની માંગ કરી છે.
શહેરના ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયનાબેન નાનજીભાઈ બારૈયા સામે એટ્રોસિટિના ગુનાના આરોપીને આશરો આપવાનો ગુનો નોંધાયા બાદ સતત વિવાદમાં રહેલા પોલીસકર્મીને જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કર્યાં પછી દાહોદ ખાતે બદલી કરી દેવામાં આવી હતી. જે બાદ મહિલા પોલીસકર્મી પર એક પછી એક કુલ પાંચ ગુના નોંધવામાં આવ્યા છે. તેવામાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયનાબેન બારૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક વીડિયો વાયરલ કરી રડતા રડતા જણાવ્યું હતું કે, ડીવાયએસપી રીમા ઝાલાએ તેમના પર એક પછી એક ખોટા પાંચ ગુના દાખલ કર્યાં છે અને ઘર પણ વેર વિખેર કરી નાખ્યું છે અને માત્ર નવ વર્ષના બાળકથી વિખુટા કરી નાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ ડીવાયએસપી રીમા ઝાલા પર કર્યાં હતા અને મરવા માટે મજબૂર કરી હોવાની વાત વાયરલ કરેલા વીડિયોમાં કહેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યાં બાદ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયનાબેન બારૈયાએ બોટાદના ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ નયનાબેનને તત્કાલ બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે. આ સમગ્ર મામલે નયનાબેન બારૈયાના ભાઈ ગૌતમભાઈ નાનજીભાઈ બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે.
સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલ પર નોંધાયેલા ગુના
• એટ્રોસિટીના આરોપીને છાવવાનો ગુનો
• પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો
• ફરજમાં રૂકાવટનો ગુનો
• જેલમાંથી મોબાઇલ સીમકાર્ડ મળી આવવાનો ગુનો
• જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો



