गुजरात

યુનિ.ના પીઆરઓની ભાજપમાં મહામંત્રી તરીકે નિમણૂકથી વિવાદ | msu office appointed as bjp office bearer



વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતા લકુલેશ ત્રિવેદીની શહેર ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા બાદ રાજકીય મોરચે વિવાદ સર્જાયો છે.યુનિવર્સિટીના કર્મચારી રાજકીય સંગઠનમાં હોદ્દો લઈ શકે કે કેમ તેના પર પણ હવે ચર્ચા છેડાઈ છે.

દરમિયાન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સત્તાધીશોને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.એનએસયુઆઈએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટી પણ સરકારી સંસ્થા છે અને સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકતા નથી તેવો ગુજરાત સરકારનો નિયમ છે.છતા સત્તાધીશો લકુલેશ ત્રિવેદીના મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે.એનએસયુઆઈએ માગ કરી હતી કે, તેમને યુનિવર્સિટીમાંથી હટાવાય અથવા તો ભાજપમાંથી રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવે. દરમિયાન લકુલેશ ત્રિવેદીએ આ બાબતે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

જોકે આ મુદ્દે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પણ મૌન ધારણ કરીને બેઠા છે તે આશ્ચર્યની વાત છે.યુનિવર્સિટી મોરચે તો એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, યુનિવર્સિટીને ભાજપમય બનાવવા માટે પણ ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે.આગામી ભરતી પ્રક્રિયામાં પણ પોતાના માનીતા ઉમેદવારોની નિમણૂક કરાવવા માટે ભાજપના નેતાઓ ધમપછાડા કરે તેવી પૂરી શક્યતા છે.

કોમન એકટમાં કોઈ સ્પષ્ટતા નથીઃ રજિસ્ટ્રાર

દરમિયાન યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, સરકારે બનાવેલા નવા કોમન એકટમાં યુનિવર્સિટીનો કર્મચારી રાજકીય પક્ષ સાથે જોડાઈ શકે કે કેમ તે મુદ્દે ક્યાંય સ્પષ્ટતા કરવામાં આવી નથી.બીજી તરફ લકુલેશ ત્રિવેદીએ અમને ભાજપમાં હોદ્દો મળ્યો હોવાની કે હોદ્દો સ્વીકાર્યો હોવાની સત્તાવાર રીતે જાણકારી આપી નથી.જરુર પડે તો અમે સરકારનો આ બાબતે અભિપ્રાય મેળવીશું.



Source link

Related Articles

Back to top button