ટ્રેડ ડીલ થઈ ગયા બાદ પણ ટ્રમ્પે કહ્યું – ટૅરિફ દ્વારા મેં ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું | Trump Claims He Averted India Pakistan Nuclear War via Tariffs Announces New India Trade Deal

Donald Trump India Pakistan War Claim: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષને ટૅરિફના જોરે અટકાવ્યો હતો. ટ્રમ્પના મતે, આ સંઘર્ષ જો ન અટક્યો હોત તો તે ભયાનક પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ ગયો હોત. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ ભારત અને અમેરિકા વચ્ચે એક મોટી ‘ટ્રેડ ડીલ’ થઈ છે, જે અંતર્ગત ભારત પરના ટૅરિફને ઘટાડીને 18% કરવામાં આવ્યો છે.
ટૅરિફના હથિયારથી યુદ્ધ અટકાવ્યું: ટ્રમ્પ
મંગળવારે એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમણે અત્યાર સુધીમાં આઠ જેટલા સંભવિત યુદ્ધો અટકાવ્યા છે, જેમાંથી છ તો માત્ર ટૅરિફ લાદવાની ધમકી આપીને જ ઉકેલાયા છે. ભારત-પાકિસ્તાન અંગે વાત કરતાં તેમણે કહ્યું, ‘બંને દેશો યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હતા અને 10 વિમાનો તો તોડી પાડવામાં આવ્યા હતા. મેં સ્પષ્ટ કહ્યું હતું કે, જો યુદ્ધ નહીં અટકે તો હું તમારા પર ભારે ટૅરિફ લગાવી દઈશ. મારે નથી જોઈતું કે લોકો માર્યા જાય.’ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાને પણ સ્વીકાર્યું હતું કે ટ્રમ્પની મધ્યસ્થતાને કારણે એક કરોડ લોકોના જીવ બચ્યા છે.
ભારતનું વલણ અને ‘ઓપરેશન સિંદૂર’
ટ્રમ્પ ભલે મધ્યસ્થતાનો દાવો કરતા હોય, પરંતુ ભારત સરકારે હંમેશા કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા, તેના જવાબમાં ભારતે ગયા વર્ષે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન અને PoKમાં આતંકી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતનું વલણ સ્પષ્ટ રહ્યું છે કે પાકિસ્તાન સાથેની કોઈપણ વાતચીત દ્વિપક્ષીય જ હશે.
નવી ટ્રેડ ડીલ: ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોને ફાયદો
તાજેતરમાં જ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી હતી કે અમેરિકા હવે ભારત પરના ટૅરિફને 25%થી ઘટાડીને 18% કરશે. આ જાહેરાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ટ્રમ્પનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો માટે અમેરિકાના બજારોમાં નવી તકો ઊભી થશે અને નિકાસને વેગ મળશે.




