માઈક્રોસોફ્ટના એઆઈ ફ્યૂચર સામે ગુણવત્તાના સવાલો : ક્વોલિટી હેડની નિમણૂક | Quality questions facing Microsoft’s AI future: Appointment of quality head

![]()
– એઆઈ પરની નિર્ભરતા માઈક્રોસોફ્ટને ભારે પડી
– માઈક્રોસોફ્ટે અચાનક એન્જિનિયરિંગ ક્વોલિટી હેડની નવી પોસ્ટ બનાવી ચાર્લી બેલની નિમણૂક
ન્યૂયોર્ક : માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ એન્જિનિયરિંગ ક્વોલિટી હેડની નવી ભૂમિકા ઊભી કરી છે અને તેના વડા તરીકે ચાર્લી બેલની નિમણૂક કરી છે. સત્યા નડેલાએ માઈક્રોસોફ્ટના ૩૦ ટકા કોડ એઆઈ દ્વારા લખાયેલા છે તેવી જાહેરાતના એક વર્ષથી ઓછા સમયમાં કંપનીએ ગુણવત્તાની તપાસ માટે નવી પોસ્ટ ઊભી કરતા ટેક્નોલોજી કંપનીઓમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સંશોધનમાં માણસ કરતાં એઆઈ જનરેટેડ કોડમાં વધુ ભૂલો હોવાનું સામે આવતા એઆઈની કાર્યક્ષમતા સામે સવાલો ઊભા થયા છે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ એન્જિનિયરિંગ ક્વોલિટી હેડના પદ પર ચાર્લી બેલની નિમણૂકની માહિતી કંપનીના આંતરિક મેમો પરથી જાણવા મળી છે. ચાર્લી બેલ અગાઉ રેડમોન્ડ જાયન્ટના સિક્યોરિટી ડિવિઝનનું કામ સંભાળતા હતા. નડેલાએ કંપનીના ૩૦ ટકાથી વધુ કોડ એઆઈ દ્વારા લખાયેલા હોવાનું જાહેર કર્યાના એક વર્ષથી ઓછા સમયમાં આ નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ સાથે કંપનીએ અચાનક એન્જિનિયરિંગની ગુણવત્તાની તપાસનું કામ કોઈ વ્યક્તિને સોંપવાની જરૂર શા માટે ઊભી થઈ તે અંગે જવાબ આપવાનું કંપનીએ ટાળ્યું છે. એપ્રિલ ૨૦૨૫માં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સાથે ફાયરસાઈડ ચેટ કરતી વખતે સત્યા નડેલાએ કહ્યું હતું કે, માઈક્રોસોફ્ટના રીપોઝિટરીઝમાં ૨૦થી ૩૦ ટકા કોડ સોફ્ટવેર દ્વારા લખવામાં આવ્યા હતા. માઈક્રોસોફ્ટના સીટીઓ કેવિન સ્કોટે નડેલાથી આગળ વધતા આગાહી કરી હતી કે વર્ષ ૨૦૩૦ સુધીમાં કંપનીના ૯૫ ટકા કોડ એઆઈ દ્વારા બનાવાયેલા હશે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ઝડપ અને વોલ્યુમનો અર્થ ગુણવત્તા નથી. ગીટક્લીયરના સંશોધન પર જણાયું છે કે ટેક્નોલોજી કંપનીઓમાં એઆઈ કોડિંગ વ્યાપક બન્યા પછી એઆઈ જનરેટેડ કોડ ફરીથી લખવા પડે અથવા તેને ડીલીટ કરવાનું પ્રમાણ બમણું થઈ ગયું છે. માઈક્રોસોફ્ટે પોતે પ્રકાશિત કરેલા સંશોધનમાં દર્શાવ્યું છે કે ડેવલપર્સ માનવલ લિખિત કોડની સરખામણીમાં એઆઈ જનરેટેડ કોડની સમિક્ષા કરતી વખતે ૪૦ ટકા વધુ બગ્સ ચૂકી જાય છે.
માઈક્રોસોફ્ટનું કો-પાઈલોટ ટૂલ એઆઈથી સજ્જ હોવા છતાં યુઝર્સ દ્વારા તેને અપનાવવાનું પ્રમાણ ઘણું નિરાશાજનક છે. આ બાબત દર્શાવે છે કે માઈક્રોસોફ્ટને એઆઈ પરની નિર્ભરતા અપેક્ષા મુજબ ફળી નથી. હાલમાં માઈક્રોસોફ્ટ ૩૬૫ અને ઓફિસ ૬૫ના માત્ર ૩.૩ ટકા યુઝર્સ જ કો-પાઈલટ માટે નાણાં ચૂકવે છે.



