ભાવનગરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીના ત્રણ સ્થળોએ દરોડા | Raids at three locations of perfume manufacturer and trader in Bhavnagar

![]()
સ્ટેટ જીએસટીની જુદી-જુદી ટીમોએ હિસાબોની તપાસ હાથ ધરી
આંબાચોકમાં આવેલા મનીષ પરફ્યુમર્સ રિટેઈલ આઉટલેટ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ગોડાઉનમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું
ભાવનગર: સુરતમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીને ત્યાં થોડાં દિવસો પૂર્વે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ ભાવનગરમાં પણ આજે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા શહેરની અગ્રણી પરફ્યુમ ઉત્પાદક અને રિટેઈલ વેપારી પેઢીના અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. બીલ વિનાના ચીઠ્ઠી પરના વ્યવહારો સંબંધિત તપાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતની અગ્રણી પરફ્યુમ ઉત્પાદક અને વેપારી પેઢીમાં થોડા દિવસ પહેલા સ્ટેટ જીએસટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટાપાયે જીએસટી ચોરી ઝડપાઈ હતી. જે બાદ સ્ટેટ જીએસટી ભાવનગરે આજે ઉઘડતી બજારે શહેરની અગ્રણી પરફ્યુમ ઉત્પાદક અને વેપારી પેઢીમાં દરોડા પાડયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિત અનુસાર શહેરના આંબાચોકમાં આવેલી મનીષ પરફ્યુમર્સ નામના રિટેઈટ આઉટલેટ ઉપરાંત મોતીતળાવ વીઆઈપી પ્લોટમાં આવેલી તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટ મનિષ ઈન્ડસ્ટ્રીઝ અને મનીષ ઈન્ટરનેશનલ, ગોડાઉન તથા શિશુવિહાર વિસ્તારમાં આવેલા તેમના રહેણાંકના સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગની જદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવમાં આવી છે. પેઢીમાં બીલ વિના અને ચીઠ્ઠી પરના વ્યવહારો, પ્રોડક્શન યુનિટ અને રિટેઈલ આઉટલેટ વચ્ચેના શંકાસ્પદ ખરીદ-વેચાણના વ્યવહારો અને સ્ટોક અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ તપાસ મોડી સાંજ સુધી ચાલી હતી અને હજુ આવતીકાલે પણ ચાલશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે પરફ્યુમના વેપારી પેઢીમાં આવેલી આ તપાસ વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ મામલે હજુ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.



