અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news isanpur chemical factory fire

Ahmedabad News: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલ પાસેના ગુરુકૃપા એસ્ટેટમાં એક કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
કેમિકલના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું
ફેક્ટરીની આસપાસ દુકાનો અને રહેણાંક વિસ્તાર હોવાથી અફરાતફરી મચી હતી. કેમિકલના કારણે આગ એટલી ભીષણ બની ગઈ હતી કે ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફેક્ટરીમાં મોટાપાયે નુકસાનની આશંકા છે. જશોદાનગર, મણીનગર, અસલાલીના ગજરાજ(ફાયરની ગાડીઓ) હાલ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
કયા કારણોસર ફેક્ટરીમાં લાગી આગ?
આગ કેમ લાગી તેનું કારણ હજું સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લેતા, હવે આગ લાગવા પાછળના કારણની તપાસ કરવામાં આવશે.





