સુરેન્દ્રનગરમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે કરોડો ઉઘારાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ | Builder in Surendranagar accused of defrauding crores in the name of flat booking

![]()
૭૫૦
ફ્લેટ બનાવાની જાહેરાત કરી પાંચ વર્ષમાં ૨૬ જ ફ્લેટ સોંપ્યા
બીયુ
પરમિશન અને ફાયર સેફ્ટિ સહિતની સુવિધાના અભાવે રહિશોની ‘શક્તિ શુક્ર
એપાર્ટમેન્ટ‘ સીલ કરવા મનપાને રજૂઆત
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગરના દૂધરેજ વિસ્તારમાં ‘શક્તિ
શુક્ર એપાર્ટમેન્ટ‘ નામની સ્કીમમાં ફ્લેટ અપાવવાના બહાને સેંકડો
લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડર દ્વારા ૭૫૦ જેટલા ફ્લેટ બનાવવાની
લોભામણી જાહેરાતો આપી લોકો પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવ્યા બાદ, પાંચ વર્ષના લાંબા સમયગાળામાં માત્ર ૨૬ લોકોને જ ફ્લેટ સોંપવામાં આવ્યા છે.
જેમને ફ્લેટ મળ્યા છે તેઓ પણ પાયાની સુવિધાઓ વગર નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા
છે.
સ્થાનિક
રહીશોએ સુરેન્દ્રનગર નગરપાલિકામાં કરેલી રજૂઆત મુજબ, આ એપાર્ટમેન્ટ પાસે ન તો બાંધકામની પરમિશન
છે, ન તો ફાયર સેફ્ટીની કોઈ સુવિધા. ફ્લેટ ધારકોએ આક્ષેપ કર્યો
છે કે બિલ્ડરે ડ્રેનેજ કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી. પીવાના પાણી માટે લોકોએ
બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરીને લાવવું પડે છે. ડ્રેનેજ લાઈનના
અભાવે ગંદુ પાણી રસ્તાઓ પર ભરાઈ રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં
રોગચાળો ફાટી નીકળ્યો છે.
ઘણા
પરિવારોએ પોતાની જીવનભરની મૂડી અથવા બેંક લોન લઈને અહીં બુકિંગ કરાવ્યું હતું, પરંતુ આજે તેમની પાસે
ન તો ફ્લેટ છે ન તો રકમ પાછી મળી રહી છે. રોષે ભરાયેલા રહીશોએ નગરપાલિકા પાસે માંગ
કરી છે કે, બાંધકામ પરમિશન અને સેફ્ટીના નિયમોના અભાવે આ
તમામ ફ્લેટોને તાત્કાલિક સીલ કરવામાં આવે અને છેતરપિંડી કરનાર કોન્ટ્રાક્ટર સામે
કડક કાનૂની પગલાં ભરી ન્યાય અપાવવામાં આવે. તંત્ર દ્વારા આ મામલે કેવા પગલાં
લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.



