સેવાસી ગામ નજીક એલ.એલ.બી.ના વિદ્યાર્થીને કારચાલકે ટક્કર મારતા મોત | LLB student dies after being hit by car near Sevasi village

![]()
વડોદરા,સેવાસી નજીક એલ.એલ.બી.ના વિદ્યાર્થીને ટક્કર મારીને કારચાલક ભાગી ગયો હતો. માથામાં ગંભીર ઇજા થતા યુવકનું મોત થયું હતું. જ્યારે આજવારોડ પર સ્કૂલેથી છૂટીને સાયકલ લઇને ઘરે જતા ૧૩ વર્ષના કિશોરને કારચાલકે ટક્કર મારતા ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
શહેર નજીકના સિંઘરોટ ગામે રહેતો ૩૦ વર્ષનો મિતેન્દ્રસિંહ મહિપાલસિંહ જાદવ એલ.એલ.બી.નો અભ્યાસ કરતો હતો. ગઇકાલે બપોરે પોણા બે વાગ્યે ગામમાં રહેતા કલ્પેશસિંહનું ટુ વ્હિલર લઇને મિત્રને મળવા માટે ગયો હતો. તે દરમિયાન સેવાસી ગામ નજીક જ કારચાલકે તેને ટક્કર મારતા તે રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. અકસ્માત અંગે તેના પરિવારને જાણ થતા તેઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. મૃતકના પિતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અકસ્માત કરીને ભાગી ગયેલા કારચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૃ કરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, આજવારોડ ચાચા નેહરૃનગરમાં રહેતા વેપારી સંજયભાઇ ગવલીનો ૧૩ વર્ષનો પુત્ર રૃદ્ર ધો.૭ માં અભ્યાસ કરે છે. ગત ૨૯ મી તારીખે રૃદ્ર સાયકલ લઇને સ્કૂલે ગયો હતો. સ્કૂલેથી છૂટીને તે પરત ઘરે જતો હતો. તે દરમિયાન વલ્લભ ટાઉનશિપ સોસાયટી પાસે કારચાલકે તેને પાછળથી ટક્કર મારતા તે પટકાયો હતો. તેના બે દાંત અડધા તૂટી ગયા હતા. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. સારવાર પછી તેને રજા આપવામાં આવતા તેના પિતાએ આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાગી છૂટેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
બાઇક સ્લિપ થતા ગંભીરરીતે ઘવાયેલા યુવકનું મોત
વડોદરા,
શહેર નજીકના આમલીયારા ગામ નવી નગરીમાં રહેતા ૨૧ વર્ષના યુવરાજ વિજયભાઇ રાઠોડિયા રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. ગઇકાલે તે ભાઇ સાતે લગ્ન પ્રસંગેથીઘરે પરત આવતો હતો. તે સમયે બાઇક સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


