હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | Massive fire breaks out in scrap godown on Halol Pavagadh bypass road panchmahal

Panchmahal Fire: પંચમહાલ જિલ્લાના હાલોલ–પાવાગઢ બાયપાસ રોડ પર ગોપીપુરા રોડ સામે બાસ્કા તરફ જવાના માર્ગ પર આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અચાનક લાગેલી આગને કારણે વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી.

આ ગોડાઉનમાં કારના સીટ કવર બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રેગઝિન પ્લાસ્ટિક, પંચ સહિતનો મોટા પ્રમાણમાં સ્ક્રેપ માલ સંગ્રહિત હતો. આગ લાગતા જ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊઠતા નજરે પડ્યા હતા.

બનાવની જાણ થતાં હાલોલ ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આગની ગંભીરતા જોતા હાલોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં ઉમટી પડેલા લોકટોળાને વિખેરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હાલોલ, કાલોલ તેમજ એમ.જી. મોટર્સ કંપનીની ફાયર ફાઇટર ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણી તથા કેમિકલ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

પરંતુ ભારે આગને કારણે છેલ્લા બે થી ત્રણ કલાકથી આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરની ટીમો દ્વારા પ્રયાસો સતત ચાલુ છે.

