गुजरात

અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર્ટમાં ખુલાસો | Ahmedabad’s 6 busiest railway overbridges to be repaired



પ્રતિકાત્મક તસવીર


Ahmedabad News : અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુરક્ષિત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ લેવાયેલા સાવચેતીના પગલાં રૂપે શહેરના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટના આધારે હવે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 6 રેલવે ઓવરબ્રિજના બેરિંગ બદલવા અને સિસ્મિક એરિએસ્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

કયા 6 બ્રિજનું નસીબ ખુલશે?

કન્સલ્ટન્ટ દ્વારા શહેરના કુલ 78 બ્રિજના નિરીક્ષણ બાદ 6 બ્રિજમાં મેજર રિપેરિંગની જરૂરિયાત જણાઈ છે

ગિરધરનગર બ્રિજ

ચામુંડા બ્રિજ

નાથાલાલ ઝગડા બ્રિજ

કેડિલા બ્રિજ

ચાંદલોડિયા બ્રિજ

ચીમનભાઈ પટેલ બ્રિજ

₹63 કરોડનું બજેટ અને 15 વર્ષની ગેરંટી

AMCના બ્રિજ પ્રોજેક્ટ અધિકારી જીગ્નેશ શાહના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટે અંદાજે ₹63 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 152 સ્પાનને હાઈડ્રોલિક જેકની મદદથી ઊંચા કરવામાં આવશે અને જૂના 1746 બેરિંગ બદલીને નવા ફિટ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ નવા બેરિંગ માટે કોન્ટ્રાક્ટર પાસેથી 15 વર્ષની ગેરંટી લેવામાં આવશે, જેથી લાંબા સમય સુધી જાળવણીની ચિંતા રહેશે નહીં.

આ પણ વાંચો: અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણો કેવી છે સુવિધા?

ભૂકંપ સામે પણ મળશે રક્ષણ

આ માત્ર સામાન્ય રિપેરિંગ નથી, પરંતુ બ્રિજને કુદરતી હોનારત સામે સજ્જ કરવાની પ્રક્રિયા પણ છે. નવા બેરિંગની સાથે બ્રિજમાં ‘સિસ્મિક એરિએસ્ટર’ (Seismic Arresters) પણ લગાડવામાં આવશે. આ ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં ભૂકંપ જેવા આંચકાઓ સામે બ્રિજ વધુ સુરક્ષિત રહેશે અને મોટી જાનહાનિ ટાળી શકાશે.

વાહનચાલકો માટે મહત્ત્વની સૂચના

બ્રિજના સમારકામ સમયે વાહન વ્યવહાર યથાવત રહેશે, પરંતુ જે સમયે 

બ્રિજના લિફ્ટિંગ સહિતની મહત્ત્વની કામગીરી સમયે સુરક્ષાના કારણોસર  ટ્રક, બસ અને અન્ય ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે, હળવા વાહનો (ટુ-વ્હીલર અને કાર) માટે અવરજવર ચાલુ રાખવાનો પ્રયાસ કરાશે. નાના વાહનો માટે ટ્રાફિક ચાલુ રાખવા ‘બેલી સ્ટ્રક્ચર’ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ: શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે ‘નો એન્ટ્રી’ વચ્ચે નિયમોના ઉડ્યા ધજાગરા, મેચના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત

નિરીક્ષણ બાદ લેવાયો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજની સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા. અમદાવાદ કોર્પોરેશને સતર્કતા દાખવીને શહેરના તમામ બ્રિજનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપ આ વ્યૂહાત્મક સમારકામ શરૂ કરવામાં આવી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button