હૃતિક અને આદિત્ય ચોપરા વચ્ચે બજેટના મતભેદમાં ક્રિશ ફોર અટકી | Krrish 4 stalled due to budget differences between Hrithik and Aditya Chopra

![]()
– ફિલ્મનાં ભાવિ અંગે ફરી શંકાકુશંકાઓ
– હૃતિકે 500 કરોડ બજેટ માગ્યું, આદિત્ય ચોપરાનો ૩૫૦ કરોડથી વધુ ફાળવવા ઈન્કાર
મુંબઈ : હૃતિક રોશન તથા આદિત્ય ચોપરા વચ્ચે બજેટ મુદ્દે થયેલા મતભેદમાં ‘ક્રિશ ફોર’ ફિલ્મ અટવાઈ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ વખતે યશરાજ ફિલ્મ્સ આ ફિલ્મના સહ નિર્માતા છે. હૃતિક રોશન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત પોતે જ દિગ્દર્શન પણ કરવાનો છે. હૃતિક રોશને આદિત્યને એમ જણાવ્યું હોવાનું કહેવાય છે કે આ સાઈફાઈ ફિલ્મ માટે ઓછામાં ઓછા ૫૦૦ કરોડનું બજેટ જરુરી બનશે. જોકે, આદિત્યએ એવી દલીલ કરી હતી કે બોલિવુડમાં હાલના આર્થિક સંજોગો જોતાં ફિલ્મ માટે ૫૦૦ કરોડનું બજેટ કાઢ્યા બાદ નફો કરવાનું બહુ મુશ્કેલ રહેશે. આ મુદ્દે બંને વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હોવાનું કહેવાય છે. તેના કારણે ફિલ્મનાં ભાવિ અંગે અનેક શંકાકુશંકાઓ થઈ રહી છે. હજુ થોડા દિવસો પહેલાં જ એમ ચર્ચાયું હતું કે આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરા ફરી લીડ હિરોઈન તરીકે પુનરાગમન કરી રહી છે અને મોટાભાગે આગામી એક-બે મહિનામાં ફિલ્મનું કામ શરુ થઈ જશે.
ત્યાં હવે હૃતિક અને આદિત્ય ચોપરા વચ્ચે મતભેદમાં ફિલ્મ ફસાઈ હોવાના અહેવાલોથી આ ફ્રેન્ચાઈઝીના ચાહકો ચિંતિત બન્યા છે.



