સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ઘાયલ | Surat News Father and son attacked in children quarrel Amroli Police Crime Story

![]()
Surat Crime News: સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી ચૂકી છે. પોલીસનો ડર જાણે ગાયબ જ થઈ ગયો છે, સામાન્ય વાતમાં મારા મારી, લૂંટફાટ, હત્યાના બનાવો રોજ બરોજ વધી રહ્યા છે. તેવા અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઇકાલે(7 ફેબ્રુઆરી) રાત્રે નાનકડી વાતમાં યુવકની પડોશી દ્વારા હત્યા કરી દેવાતા ચકચાર મચી છે.
શું છે સમગ્ર મામલો?
ગઇકાલે (7 ફેબ્રુઆરી)ની રાતની ઘટના છે, અમરોલીના કોસાડ આવાસના H-1 બ્લોકમાં બે બાળકો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. મામલો બંને બાળકોના કુંટુંબ સુધી પહોંચે છે. જેથી એક બાળકનો પરિવાર, 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા, બીજા બાળકને ત્યાં ફરિયાદ કરવા પહોંચે છે. ત્યાં પડોશી સામે ઉગ્ર બોલાચાલી થતાં મારા મારી થાય છે. સામા પક્ષેથી તીક્ષ્ણ હથિયારો દ્વારા ફરિયાદ કરવા ગયેલા પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થાય છે જેમાં 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલાનું મોત નીપજે છે જ્યારે પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.
પિતાની હાલત ગંભીર
હુમલો એટલો હિચકારો હતો કે ફરીદ બંબાવાલા શરીર પર અનેક ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ટૂંકી સારવાર બાદ તેના ખોળિયામાંથી જીવ જતો રહ્યો હતો. પુત્રને બચાવવા પડેલા પિતા પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
મૃતક રિક્ષા ચાલક હતો
મૃતક ફરીદ ગરીબ પરિવારમાંથી આવતો હતો તે રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેને એક દીકરી અને એક દીકરો છે, જેમના પરથી પિતાની છત્રછાયા જતાં હવે નોંધારા થઈ ગયા છે. પરિવારમાં હાલ આક્રંદ સાથે આરોપીઓ સામે રોષની લાગણી છે.
ચાર આરોપીઓ હતા
મૃતકના ભાઈએ કહ્યું કે, ‘બાળકો-બાળકો વચ્ચે બોલાચાલી હતી, મારો ભાઈ સમજાવટ માટે ગયો હતો, તેમણે પાછળથી ચપ્પુ વડે એટેક કરી દીધો, મારા પિતાને પણ કમરમાં ચપ્પુ મારી દીધું, જેને હુમલો કર્યો તે ત્યાંના મૌલાના આઝાદ, સિરાજ છે અને બીજો એક બે છે જેનું નામ પરિવારને ખબર નથી. હુમલો ચાર લોકોએ મળી પાછળથી કર્યો હતો. તેમને કડકમાં કડક સજા કરવામાં આવે, તેમના પગ કાપી ભિખારી બનાવી દેવા જોઈએ, ઉંમર કેદની સજા કરવામાં આવે’
પરિવારજનોનું હૈયાફાટ રૂદન
હાલ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનોનું હૈયું ચીરી નાખે તેવા રૂદને સૌ કોઈને ભાવુક કરી દીધા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા ટીમો સક્રિય કરી દીધી છે. પરિવાર હાલ આશા રાખીને બેઠો છે કે પોલીસ તેમણે પૂરતો ન્યાય અપાવશે! પણ દરેકના મનમાં એક જ સવાલ છે કે બાળકો વચ્ચે ઝઘડો તેમના નિખાલસપણા અને અણસમજને કારણે થયો હોઈ શકે પણ તે બાબતે મારામારી અને હત્યા! સૌ કોઈ ઘટના બાદ અચંબિત છે, સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો છે.



