गुजरात

રાજ્યમાં અલગ અલગ ઘટનામાં સિંહ અને દીપડાનું મોત, અમરેલી, ગીર સોમનાથ અને દાહોદની ઘટના | Lion and Leopard Deaths Reported Across Gujarat in Amreli Gir Somnath and Dahod



Gujarat Wildlife: એશિયાટિક સિંહો અને વન્યજીવોના ગઢ ગણાતા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના આકસ્મિક મોતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખુલ્લા કૂવા, હાઈવે પરના અકસ્માતો અને ગેરકાયદે વીજ કરંટ હવે વન્યજીવો માટે ‘ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહ્યા છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી ઘટનાઓએ વનવિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

અમરેલી જિલ્લામાં ખુલ્લા કૂવા બન્યા કાળ અને હાઈવે ‘ડેથ ઝોન’

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કણકોટ ગામે અંદાજે બે થી અઢી વર્ષના એક નર સિંહનું ખુલ્લા કૂવામાં પડી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ છે. બીજી તરફ, અગાઉ ભાવનગર-સોમનાથ હાઈવે પર નાગેશ્રી નજીક અજાણ્યા વાહનની અડફેટે એક સિંહણનું મોત થયું હતું. જાફરાબાદ રેન્જમાં એક જ મહિનામાં 3 વન્યજીવો અકસ્માતનો ભોગ બનતા હાઈવે હવે વન્યજીવો માટે જીવલેણ બની રહ્યો છે.

આ પણ વાંચો: VIDEO: સિંહનું ટોળું! ધારીમાં મોડી રાત્રે એક..બે નહીં 15 સિંહ રોડ પર આવી ચડ્યા, વીડિયો કેમેરામાં થયો કેદ

ખેતરમાં વીજ કરંટ આપતા સિંહનું મોત, ખેડૂત જેલહવાલે

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કાજ ગામે ગેરકાયદે વીજ કરંટના કારણે 3 થી 4 વર્ષના સિંહનું મોત થયું હતું. ખેડૂત માનસિંગ ઝાલાએ રોઝ અને ભૂંડથી પાક બચાવવા ખેતર ફરતે ઈલેક્ટ્રિક વાડ કરી હતી.  વન વિભાગે આરોપી ખેડૂતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

દીપડાઓ પણ અકસ્માતનો ભોગ

માત્ર સિંહો જ નહીં, દીપડાઓ પણ માનવસર્જિત જોખમોનો શિકાર બની રહ્યા છે. દાહોદ-લીમખેડા હાઈવે પર દાંતિયા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા દીપડાને વહેલી સવારે અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત થયું હતું. જ્યારે અગાઉ અમરેલીમાં ભાવનગર-સોમનાથ હાઈવે અકસ્માતમાં દીપડીનું મોત નિપજ્યું છે.

વન્યજીવ પ્રેમીઓની માંગ

ગામના ખેડૂતો અને વન્યજીવ પ્રેમીઓએ આક્ષેપ કરી રહ્યા છે કે વનવિભાગ દ્વારા ખુલ્લા કૂવાઓને જાળીથી ઢાંકવાની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું લાગે છે. સરકાર અને વનવિભાગ સત્વરે તપાસ હાથ ધરી આ વિસ્તારના તમામ ખુલ્લા કૂવાઓને જાળીથી ઢાંકે, જેથી કરીને ભવિષ્યમાં રાજ્યના ગૌરવ સમાન સિંહોને અકાળે મોતથી બચાવી શકાય.



Source link

Related Articles

Back to top button