લુણેજ ગામની પરિણીતાનો સાસરિયાના ત્રાસથી પિયરમાં એસિડ પીને આપઘાત | A married woman commits suicide by drinking acid in her bedroom due to harassment by her in laws

![]()
– પરિણીતાને ખંભાત બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાઈ હતી
– ખંભાત ગ્રામ્ય પોલીસે પતિ સહિત ત્રણ વિરુદ્ધ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આણંદ : ખંભાત તાલુકાના લુણેજ ગામની પરિણીતાએ પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી જઈ પોતાના પિયરમાં એસિડ પીને આપઘાત કરી લીધો હતો, તેવો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે પતિ સહિત ત્રણ વિરુદ્ધ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખંભાત તાલુકાના ગોલાણા ગામે રહેતા ઘનશ્યામભાઈ રામુભાઈ દેવીપુજકની દીકરી કરુણાબેન (ઉં. વ.૨૦)ના લગ્ન તારીખ ૭મી ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ ખંભાત તાલુકાના લુણેજ ગામે રહેતા વિપુલભાઈ રાજુભાઈ દેવીપુજક સાથે થયા હતા. જોકે લગ્નના થોડાક જ સમય બાદ પતિ, સાસુ અને નણંદ દ્વારા તેણી ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું, તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે. જેથી ૧૫ દિવસ પહેલા જ સાસુના કહેવાથી દાદા સસરા તેણીને પિયર ગોલાણા ખાતે મૂકી ગયા હતા. દરમિયાન કરુણાબેને ગત ત્રીજી તારીખના રોજ પતિને ફોન કરીને હું આટલા દિવસથી પિયરમાં છું તમને મારી યાદ આવતી નથી તેમ કહેતા પતિએ હું તને પ્રેમ કરતો નથી તારી ઉપર મન ઓછું થઈ ગયું છે અને તને રાખવાની નથી તેમ જણાવી ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ ફરીથી ફોન કરતા પતિએ તેણીને બ્લોક કરી દેતા કરુણાબેનને મનમાં લાગી આવ્યું હતું અને તેણીએ એસિડ ગટગટાવી લેતા તેણીની હાલત ગંભીર થઈ જવા પામી હતી. જેથી સારવાર અર્થે ખંભાતની હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે પતિ, સાસુ સરોજબેન અને નણંદ તુલસીબેન વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

