गुजरात

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, જપ્ત કરેલા 25 જેટલા બાઈક બળીને ખાખ | Fire engulfs seized motorcycles parked at Khadia police station ahmedabad



Fire Broke out in Khadia Police station Parking: અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી) બપોરે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનના ખુલ્લા પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનોમાં અંદાજે 25 જેટલી મોટરસાયકલો આ આગની ચપેટમાં આવી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે અંદાજે 4:20 વાગ્યે ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં આગ લાગી હતી. આ જગ્યાએ વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ટુ-વ્હીલર (મુદ્દામાલ) રાખવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. આગ ઓલવાયા બાદ કોઈ ફરીથી સ્પાર્ક ન થાય તે માટે ‘કુલિંગ ઓપરેશન’ પણ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો: ન્યાય મળ્યો પણ જીવ છૂટ્યો, 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ નિધન

ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ દુર્ઘટનામાં અંદાજે 25 જેટલા મોટરસાયકલોને નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, આ તમામ વાહનો પોલીસ તપાસ હેઠળના અને કોર્ટ મેટરના મુદ્દામાલ હોવાથી સરકારી મિલકતને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે તપાસના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button