गुजरात

પરીક્ષા છે, કેમ મોડો આવ્યો?” પૂછતા જ વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો ઝીંક્યો, શહેરામાં 3ની અટકાયત | student slaps female teacher shehera panchmahal school cctv



Panchmahal School :  પંચમહાલ જિલ્લાના શહેરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરાની જાણીતી એસ.જે. દવે સાર્વજનિક હાઇસ્કૂલમાં એક વિદ્યાર્થીએ પોતાની જ મહિલા શિક્ષિકાને થપ્પડ મારી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ શાળા સંકુલમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, એસ.જે.દવે સાર્વજનિક હાઇસ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન 24 જાન્યુઆરી, 2026ના રોજ એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે નિયત સમય કરતા ઘણો મોડો પહોંચ્યો હતો. પરીક્ષાના નિયમો મુજબ, મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીને મોડા આવવાનું કારણ પૂછ્યું હતું. માત્ર આટલી પૂછપરછથી ઉશ્કેરાઈ ગયેલા વિદ્યાર્થીએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી અને ચાલુ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ મહિલા શિક્ષિકાના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં વિદ્યાર્થીની આ ઉદ્ધત વર્તણૂક સ્પષ્ટપણે જોઈ શકાય છે.

પોલીસ ફરિયાદ અને ધમકીના આક્ષેપો

થપ્પડ માર્યાની આ ઘટના બાદ મામલો વધુ બિચક્યો હતો. પીડિત શિક્ષિકાના જણાવ્યા અનુસાર, માત્ર થપ્પડ જ નહીં પરંતુ ત્યારબાદ વિદ્યાર્થી અને તેની સાથે આવેલા અન્ય શખ્સોએ તેમને ગંભીર ધમકીઓ પણ આપી હતી. શિક્ષિકાએ આ મામલે હિંમત દાખવી શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં વિદ્યાર્થી સહિત 4 શખ્સોના નામજોગ અને અન્ય 15 થી 20 અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસની કડક કાર્યવાહી, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને શહેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે મુખ્ય આરોપી વિદ્યાર્થી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. તપાસના ભાગરૂપે પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને હાઇસ્કૂલ ખાતે લઈ જઈ, પીડિત શિક્ષિકાની હાજરીમાં સમગ્ર ઘટનાનું ‘રીકન્સ્ટ્રક્શન’ (વરઘોડો) કર્યું હતું.

ગુરૂ શિષ્ય પરંપરાના ધજાગરા

શિક્ષણના ધામમાં બનેલી આ ઘટનાએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહીશો અને અન્ય શિક્ષકોમાં આ કૃત્ય પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ હુમલા પાછળ અન્ય કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ.



Source link

Related Articles

Back to top button