मनोरंजन

મનોજ વાજપેયીની વેબ સીરિઝ ‘ઘૂસખોર પંડત’ પર વિવાદ! FIR દાખલ, સંસદમાં પણ ગૂંજ્યો મુદ્દો | mayawati on manoj bajpayee s ghooskhor pandit web series controversy


Ghooskhor Pandat Controversy: મનોજ બાજપેયીની આગામી વેબ સીરિઝ ‘ઘૂસખોર પંડત’ અત્યારે વિવાદોમાં ફસાઈ છે. આ વિવાદ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તેની ગુંજ હવે સંસદ અને કોર્ટ સુધી પહોંચી ગઈ છે. આ વેબ સીરિઝના ટાઈટલમાં ‘પંડત’ શબ્દ સાથે ‘ઘૂસખોર’ (લાંચિયો) શબ્દ જોડવા બદલ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારનું શીર્ષક એક ચોક્કસ જ્ઞાતિનું અપમાન કરે છે અને સામાજિક સૌહાર્દ બગાડવાનું કામ કરે છે.

પંડિત સમાજનું અપમાન સહન નહીં થાય: માયાવતી

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં વેબ સીરિઝના મેકર્સ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ વિવાદમાં રાજકારણ પણ ગરમાયું છે, જેમાં બસપા સુપ્રીમો માયાવતીએ પણ આકરા પ્રહારો કર્યા છે. 

માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘આ ખૂબ જ દુઃખ અને ચિંતાની વાત છે કે છેલ્લા કેટલાક સમયથી માત્ર યુપીમાં જ નહીં, પણ હવે તો ફિલ્મોમાં પણ ‘પંડિત’ સમાજને ઘૂસખોર બતાવીને આખા દેશમાં તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આનાથી સમગ્ર બ્રાહ્મણ સમાજમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમારી પાર્ટી આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરે છે અને BSPની માંગ છે કે કેન્દ્ર સરકારે આવી જ્ઞાતિસૂચક ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.’

‘ઘૂસખોર પંડત’ વિવાદ અને રાજકારણ

ખરેખર તો, ‘ઘૂસખોર પંડત’ વેબ સીરિઝના ટાઈટલનો આ આખો વિવાદ ઉત્તર પ્રદેશના રાજકારણને અસર કરી રહ્યો છે. રાજ્યમાં 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા અત્યારથી જ રાજકીય માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી યુપીમાં બ્રાહ્મણોની નારાજગીનો મુદ્દો લગભગ તમામ વિરોધ પક્ષો ઉઠાવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજની ઉપેક્ષા થઈ રહી હોવાની વાત સમાજવાદી પાર્ટીથી લઈને બહુજન સમાજ પાર્ટી સુધીના તમામ પક્ષો કરી રહ્યા છે.

આ પણ વાંચો: ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી

જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં બ્રાહ્મણ સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે મક્કમતાથી ઉભો રહ્યો હતો. આ જ કારણ છે કે હવે ફરીથી વિવાદોને હવા આપીને આ સમીકરણો બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં જ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન બ્રાહ્મણ ધારાસભ્યોની એક બેઠક મળી હતી, જેના પર ભાજપના પ્રદેશ નેતૃત્વએ સવાલો ઉઠાવ્યા હતા. પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ બ્રાહ્મણ ધારાસભ્યોને શિખામણ પણ આપી હતી. તે સમયે પણ માયાવતીએ આ મુદ્દે નિવેદન આપ્યું હતું કે આ પ્રકારના જૂથવાદને રાજકીય રંગ ન આપવો જોઈએ.

સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં થશે મહત્ત્વનો નિર્ણય

ચારેબાજુથી ઘેરાયેલા નિર્દેશક નીરજ પાંડેએ સ્પષ્ટતા કરી છે કે આ એક કાલ્પનિક પોલીસ ડ્રામા છે અને તેનો કોઈ જ્ઞાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. જોકે, વધતા દબાણને જોતા મેકર્સે તમામ પ્લેટફોર્મ પરથી આ સીરિઝનું વિવાદિત ટાઈટલ અને પ્રોમોશનલ મટીરીયલ હટાવી લેવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ફિલ્મ મોનિટરિંગ કમિટી (FMC)એ પણ નોટિસ ફટકારીને જણાવ્યું છે કે ‘ઘૂસખોર પંડત’ નામનું ટાઈટલ તેમની પાસે રજીસ્ટર્ડ જ નથી. હાલમાં દિલ્હી હાઈકોર્ટમાં પણ આ મામલે અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર સોમવારે સુનાવણી થવાની શક્યતા છે.


મનોજ વાજપેયીની વેબ સીરિઝ 'ઘૂસખોર પંડત' પર વિવાદ! FIR દાખલ, સંસદમાં પણ ગૂંજ્યો મુદ્દો 2 - image



Source link

Related Articles

Back to top button