ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injured as rickshaw overturns near Dholeshwar

![]()
શાહપુરથી ગાંધીનગર આવવાના માર્ગ ઉપર
પાલજમાં રહેતો પુત્ર માતા પિતાને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લઈ જતો હતો તે સમયે અકસ્માત
ગાંધીનગર : ગાંધીનગરના ધોળેશ્વર મંદિર જવાના કટ પાસે એક રિક્ષા પલટી
ખાઈ જતાં ગંભીર ઈજાઓને કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના
પત્નીને ઈજાઓ પહોંચી છે. રીક્ષા ચાલક પુત્રને પણ ઇજાઓ પહોંચી હતી. હાલ આ અંગે
ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ધોળેશ્વર પાસે રીક્ષા પલટી ખાઈ જતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ
ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પાલજ ગામમાં રહેતા પ્રહલાદભાઈ
બાબુભાઈ રાવળે ફરિયાદ નોંધાવી હતી કે આજે સવારના સમયે તેમનો નાનો ભાઈ પંકજ તેની
રિક્ષા લઈને માતા પુરીબેન અને પિતા બાબુભાઈને બેસાડીને અમદાવાદ દવાખાને લઈ જઈ
રહ્યો હતો આ દરમિયાન રિક્ષા જ્યારે ધોળાકુવા ગામની સીમમાં ધોળેશ્વર મંદિર જવાના કટ
પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે
ચાલક પંકજે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં બેઠેલા
પિતા બાબુભાઈ કેશરભાઈ રાવળને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું
મોત નીપજ્યું હતું. માતા પુરીબેનને પણ શરીરે વધતી-ઓછી ઈજાઓ પહોંચી હતી. જ્યારે
પંકજને પણ ઇજા થઈ હતી. હાલ ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.



