VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat News T20 World Cup Giant national flags of 20 countries made from waste plastic

![]()
Surat News: આગામી 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં આ વખતે સુરતનું નામ વિશ્વભરમાં ગુંજશે. ગૌરવની વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ 20 દેશોના રાષ્ટ્રધ્વજ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ રાષ્ટ્રધ્વજોની ખાસિયત એ છે કે તે પર્યાવરણને અનુકૂળ રહે તે માટે ‘વેસ્ટ પ્લાસ્ટિક’ (Recycled Plastic) માંથી બનાવવામાં આવ્યા છે.
વિદેશી નિર્ભરતા ઘટી
અગાઉ ક્રિકેટ વર્લ્ડ કપ કે મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ માટેના મોટા ધ્વજ ભારતની બહાર વિદેશમાં તૈયાર થતા હતા. પરંતુ હવે સુરતના સાહસિક ઉદ્યોગકારોએ આ માર્કેટ પર કબજો મેળવ્યો છે. રાષ્ટ્રધ્વજો બનાવનાર પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે-ત્રણ વર્ષથી મેચોમાં વપરાતા વિશાળ ધ્વજ સુરતમાં બની રહ્યા છે. આ માત્ર બિઝનેસ નથી, પણ ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને મળેલી મોટી સફળતા છે.”
કરોડોનો બિઝનેસ અને રોજગારી
એક મહિના સુધી ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટને કારણે સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં કરોડો રૂપિયાનો વેપાર થવાની આશા છે. સુરતથી માત્ર રાષ્ટ્રધ્વજ જ નહીં, પરંતુ ખેલાડીઓ અને ફેન્સ માટેની સ્પેશિયલ ટી-શર્ટ, અલગ-અલગ દેશોના લોગોવાળી એસેસરીઝ, અને સ્ટેડિયમમાં પ્રદર્શિત થતા વિશાળ બેનરો સહિતની તમામ વસ્તુઓ સુરતથી એક્સપોર્ટ કરવામાં આવી રહી છે.
પર્યાવરણની જાળવણી સાથે દેશભક્તિ
આ વખતે સુરતે નવો ચીલો ચાતર્યો છે. પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને તેમાંથી બનાવેલા ફેબ્રિકનો ઉપયોગ આ ધ્વજ બનાવવા માટે થયો છે. જ્યારે મેદાનમાં 20 દેશોના ખેલાડીઓ પોતાના રાષ્ટ્રધ્વજ સાથે ઉતરશે, ત્યારે એ દરેક રાષ્ટ્રધ્વજના તાણાવાણામાં સુરતની મહેનત અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દેખાશે.



