રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ કરારનો અંત, 50 વર્ષમાં પહેલીવાર હવે કોઈ નિયમ નહીં, દુનિયા ટેન્શનમાં! | russia usa new start treaty ends nuclear threat 2026

![]()
Russia US New Start Nuclear Treaty Expired : રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રો પરની છેલ્લી મોટી કાનૂની મર્યાદા હવે ખતમ થઈ ગઈ છે. આજે એટલે કે, 5 ફેબ્રુઆરી 2026 ના રોજ ‘ન્યૂ સ્ટાર્ટ’ સંધિ (New Strategic Arms Reduction Treaty) ની મુદત પૂરી થઈ ગઈ છે. લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બંને દેશોના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો, જેમ કે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલો, સબમરીન લોન્ચ મિસાઇલો અને બોમ્બર પર કોઈ બંધનકર્તા મર્યાદા કે નિયમ રહ્યો નથી. આ ઘટનાથી વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની નવી સ્પર્ધા શરૂ થવાનો ખતરો વધી ગયો છે.
ન્યૂ સ્ટાર્ટ (New START) સંધિ શું છે?
ન્યૂ સ્ટાર્ટ સંધિ પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાને રોકવા માટે 2010માં કરવામાં આવેલો એક ઐતિહાસિક કરાર હતો. 2010માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે આના પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ 2011માં અમલમાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય એવા વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોની તૈનાતી મર્યાદિત કરવાનો હતો. જે કોઈ દેશના મુખ્ય રાજકીય, સૈન્ય અને ઔદ્યોગિક ઠેકાણાઓને નિશાન બનાવવા સક્ષમ હોય.
સંધિનો ઇતિહાસ શીત યુદ્ધથી અત્યાર સુધી
* પરમાણુ શસ્ત્રો પર રોક લગાવવાના પ્રયાસો શીત યુદ્ધના સમયથી ચાલી રહ્યા છે:
* 1970 ના દાયકામાં SALT કરારો: શસ્ત્રોની સંખ્યા પર મર્યાદા લાદવામાં આવી, પરંતુ તેમાં ઘટાડો થયો નહીં.
* 1991 માં START I: જ્યોર્જ બુશ અને ગોર્બાચેવના સમયમાં પ્રથમ વખત શસ્ત્રોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો.
* 2002 માં SORT (મોસ્કો સંધિ): બુશ અને પુતિને પરમાણુ વોરહેડ્સની સંખ્યા 1,700-2,200 સુધી ઘટાડવા સંમતિ દર્શાવી હતી.
* 2010 માં ન્યૂ સ્ટાર્ટ: આ સંધિ 5 ફેબ્રુઆરી 2011 થી 10 વર્ષ માટે લાગુ કરવામાં આવી હતી. 2021 માં જો બાઈડને આ સંધિને 2026 સુધી લંબાવી હતી.
2021 પછીની સ્થિતિ
2023 માં રશિયાએ યુક્રેન યુદ્ધમાં અમેરિકાની મદદને કારણભૂત ગણાવીને આ સંધિમાં ભાગ લેવાનું (જેમ કે નિરીક્ષણ) બંધ કરી દીધું હતું. આજે, 5 ફેબ્રુઆરી 2026 ના રોજ આ સંધિ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે. હવે બંને દેશો પોતાની ઈચ્છા મુજબ પરમાણુ શસ્ત્રો વધારવા માટે સ્વતંત્ર છે.
રશિયાનું વલણ
રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તે હવે ન્યૂ સ્ટાર્ટ સંધિથી બંધાયેલું નથી. રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાએ રાષ્ટ્રપતિ પુતિનના તે પ્રસ્તાવનો જવાબ આપ્યો નથી. જેમાં બંને દેશોને વધુ 12 મહિના સુધી સંધિની મર્યાદાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર (UN) એ આને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે “ગંભીર ક્ષણ” ગણાવી છે.
સંધિ ખતમ થવાની સંભવિત અસરો
નવી શસ્ત્ર સ્પર્ધા: રશિયા અને અમેરિકા બંને મિસાઇલોની સંખ્યા વધારવા અને વધારાના વોરહેડ્સ તૈનાત કરવા માટે મુક્ત છે.
ચીનનું પરિબળ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં કોઈપણ પરમાણુ વાટાઘાટોમાં ચીનને સામેલ કરવું જોઈએ.
પરમાણુ શસ્ત્રોનું વર્તમાન સંતુલન
વિશ્વના 90% થી વધુ પરમાણુ શસ્ત્રો રશિયા અને અમેરિકા પાસે છે:
રશિયા: 4,309 વોરહેડ્સ
અમેરિકા: 3,700 વોરહેડ્સ
ચીન: લગભગ 600 વોરહેડ્સ
ફ્રાન્સ અને બ્રિટન: અનુક્રમે 290 અને 225 વોરહેડ્સ
નિષ્ણાતો અને વૈશ્વિક નેતાઓની ચેતવણી
એન્ટોનિયો ગુટેરેસ (UN ચીફ): તેમણે ચેતવણી આપી છે કે, પરમાણુ શસ્ત્રોના ઉપયોગનું જોખમ દાયકાઓમાં સૌથી વધુ છે. અડધી સદીમાં પ્રથમ વખત વિશ્વ એવા તબક્કે છે જ્યાં બે સૌથી મોટી પરમાણુ શક્તિઓ પર કોઈ કાયદાકીય મર્યાદા નથી.
પોપ લિયો: તેમણે પણ બંને દેશોને અપીલ કરી છે કે તેઓ ભય અને અવિશ્વાસની રાજનીતિ છોડીને વૈશ્વિક હિતોને પ્રાથમિકતા આપે.



