જૂનાગઢમાં મનપાનાં શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા | The municipal authorities in Junagadh cannot even maintain the peace of the death of the cow family

![]()
ડમ્પિંગ સાઈટના ઉકરડા પર મૃતદેહોના ઢગલા ખડકાયા : મૃત પશુને ખાડો ખોદીને જમીનમાં દાટવાને બદલે મૃતદેહ ખુલ્લામાં નાખી દેવાતાં આસપાસમાં વાતાવરણ દૂષિત
જૂનાગઢ, : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મૃત ગૌવંશને અગ્નિદાહ કે જમીનમાં ખાડો ખોદીને દાટવાને બદલે ઉકરડામાં નાખવામાં આવતા મનપાના શાસકો સામે ફિટકાર વરસી રહ્યો છે. મૃત ગૌવંશના મોતનો મલાજો પણ જાળવવામાં આવતો નથી. થોડા સમય પહેલા આ અંગે મોટો વિવાદ થયો હતો બાદમાં ફરી ભાજપના શાસકોના વડપણ હેઠળની મનપામાં ગૌવંશને ગામમાંથી એકત્ર કરેલા ઉકરડા વચ્ચે નાખી દેવામાં આવતા ભારોભાર રોષ ફેલાયો છે.
મૃત પશુઓને અગ્નિદાહ દેવા માટે મનપા દ્વારા થોડા વર્ષ પહેલા કરોડોના ખર્ચે ગેસ ભઠ્ઠી ડમ્પીંગ સાઈટ ખાતે ફીટ કરવામાં આવી છે. આ સમયે મનપાના પદાધિકારીઓ-અધિકારીઓએ મોટા દાવા કર્યા હતા કે, સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર માણસની જેમ પશુઓને અગ્નિદાહ દેવા માટે ગેસ ભઠ્ઠી વસાવવામાં આવી છે, હવેથી મૃત પશુઓને પણ ગેસ ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવામાં આવશે. મૃત પશુઓનો મલાજો જાળવવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ જ શાસકો સામે મોટા સવાલો ઉભા થયા છે. જો ઈલેકટ્રીક કે ગેસ ભઠ્ઠી ન હોય તો મૃત પશુઓને જમીનમાં ખાડો ખોદીને દાટવાની જોગવાઈ છે. જીપીસીબી, સીપીસીબી સહિતની સરકારી વિભાગની ગાઈડલાઈન મુજબ ખુલ્લામાં મૃત પશુઓને નાખવા તે કાયદાકીય ગુનો છે છતાં પણ મનપાના શાસકો હિન્દુઓની આસ્થા સમાન ગૌવંશના મોતનો મલાજો પણ જાળવી શકતા નથી.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરી ઈવનગર સ્થિત ડમ્પીંગ સાઈટ પર એકઠો કરવામાં આવે છે. આ કચરાના મોટા ઢગલા પર સેંકડો ગૌવંશના મૃતદેહને નાખી દેવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડૂતો મનપાની આવી નીતિથી ત્રસ્ત બની ગયા છે. અનેકવાર મહાનગરપાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. જીપીસીબી કે સીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે મનપાના વિપક્ષ નેતા લલીત પણસારા ડમ્પીંગ સાઈટ ખાતે મનપાના જવાબદારોનો ઉધડો લીધો હતો. આ અંગે તેણે કમિશનર સહિતનાઓને રજુઆત કરી તાત્કાલીક ગૌવંશના મોત બાદની નિયમ મુજબ પ્રક્રિયા કરવામાં આવે.
‘ભઠ્ઠીની ક્ષમતા કરતાં વધુ મૃત્તદેહ આવતા હોવાથી ઉકરડા પર નાખી દઈએ છીએ’
આ અંગે મનપાની ડમ્પીંગ સાઈટના જવાબદાર અધિકારી હાજાભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગેસ ભઠ્ઠીની ક્ષમતા મુજબ દરરોજની સાત-આઠ ગાયની અંતિમવિધિ થઈ શકે છે. વધુ પ્રમાણમાં ગૌવંશના મૃતદેહ આવતા હોવાથી તેને ઉકરડા પર નાખી દેવામાં આવી રહ્યા છે. બીજી ગેસ ભઠ્ઠી માટેની પ્રક્રિયા ચાલી રહી છે.



