નેપાળથી તૂર્કિયે જતી ફ્લાઇટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ, વિમાનના એન્જિનમાં આગની શંકા | Turkish Airlines Kathmandu Istanbul Flight Makes Emergency Landing in Kolkata Due to Engine Fire

![]()
Nepal to Turkey Flight Emergency Landing in Kolkata : નેપાળના કાઠમંડુથી તૂર્કિયેના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ નંબર-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય (NSCBI) ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનના એન્જિનમાં આગ લાગવાની આશંકા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
એન્જિનમાં આગ લાગી !
કોલકાતા ઍરપોર્ટના ડાયરેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, વિમાનના કૅપ્ટને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ(ATC)ને જમણી બાજુના એન્જિનમાં આગ લાગી હોવાની અથવા ધુમાડો નીકળવાની સંભાવના અંગે જાણ કરી હતી. આ માહિતી મળતાં જ ઍરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને બપોરે આશરે 2:49 વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું.
236 મુસાફરો સુરક્ષિત
લેન્ડિંગ બાદ વિમાનમાં સવાર તમામ 236 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હાલમાં વિમાનને ઍરપોર્ટના આઇસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે, જ્યાં ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તેની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આગ લાગવાની માહિતી માત્ર ટેકનિકલ ખામી હતી કે, ખરેખર એન્જિનમાં કોઈ ગંભીર સમસ્યા હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનની આગળની ઉડાન પર રોક લગાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ


