1 વર્ષ બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું | notification announcing the revocation of Presidents Rule in Manipur

![]()
Manipur News: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવાયું છે. ગૃહ મંત્રાલયે આ મામલે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ નિર્ણય, 4 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં 13 ફેબ્રુઆરી, 2022 ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે.
મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય
દિલ્હીમાં યોજાયેલી મણિપુર ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામ ખેમચંદ સિંહને ગઈકાલે(3 ફેબ્રુઆરી) ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે. ગઈકાલે સાંજે લગભગ 5 વાગ્યે દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે મણિપુરના ભાજપ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે મણિપુરમાં લગભગ એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાથી મુખ્યમંત્રીનું પદ ખાલી છે.
યુમનામ ખેમચંદ સિંહની રાજકીય સફર
યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના વરિષ્ઠ નેતા અને બે વખત(વર્ષ 2017 અને 2022)ના ધારાસભ્ય છે. તે તેઓ સિંગજામેઈ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા, જે રાજ્યની રાજધાની ક્ષેત્રમાં તેમની મજબૂત રાજકીય પકડને દર્શાવે છે.
તેઓ વર્ષ 2017માં મણિપુર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમને 2022 સુધી પાંચ વર્ષ સુધી વિધાનસભા અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જે બાદ યુમનામ ખેમચંદ સિંહને બીરેનસિંહ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેને પંચાયતી રાજ, શહેર અને ગ્રામીણ વિકાસ અને શિક્ષણ જેવા મહત્ત્વના ખાતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી. ફેબ્રુઆરી 2025માં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.
મણિપુરમાં કઈ પાર્ટી પાસે કેટલી બેઠક?
• ભાજપ: 37
• કોંગ્રેસ: 5
• નેશનલ પીપલ્સ પાર્ટી: 6
• નાગા પીપલ્સ ફ્રન્ટ: 5
• કુકી પીપલ્સ એલાયન્સ: 2
• જનતા દળ યુનાઇટેડ: 1
• અપક્ષ: 3
*(કુલ બેઠક : 60) એક બેઠક નિધનના કારણે ખાલી છે.



