મોદીના એક-પેડ-માઁ કે નામ સૂત્રને અનુસરી ઇઝરાયેલમાં ભારતીયો અને યહૂદીઓએ 300 વૃક્ષો રોપ્યાં | Indians and Jews in Israel plant 300 trees following Modi’s Ek Pad Maa Ke Naam slogan

![]()
– ઇઝરાયેલના ‘તુ-બિશ્વાન’ ના પર્વના દિવસે યોજાયેલા તે કાર્યક્રમમાં ઇઝરાયેલના પર્યાવરણ મંત્રી, ભારતના રાજદૂત વ. મહાનુભાવો ઉપસ્થિત હતા
તેલ-અવિવ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ માઁ કે નામ’ નામક સૂત્રને અનુસરી, ઇઝરાયેલના મોશાવા નેવા ટીમ શહેરમાં આજના યહૂદીઓના પર્વ ‘તુ-બિશ્વાન’ના દિવસે ૩૦૦ વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. વાસ્તવમાં આ કાર્યક્રમ ભારતીય દૂતાવાસે આ પર્વ નિમિત્તે યોજ્યો હતો. તેમાં ઇઝરાયલી સંસ્થાઓ કેરેન ક્યેમેન લ ઇઝરાયલ, તથા મોશાવ નેતાલીમે સાથે મળી યોજ્યો હતો. તેનો હેતુ બંને દેશોની પર્યાવરણ જાળવણી માટેની પ્રતિબદ્ધતા દર્શાવવાનો હતો.
આ પ્રસંગે ઇઝરાયેલના પર્યાવરણ મંત્રી રામી રોઝાન તથા બેની શીમોન રીજીયોનલ કાઉન્સીલના વડા નીર ઝમીર તથા ઇઝરાયેલ સ્થિત ભારતના રાજદૂત જે. પી. સિંહ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.
આ પ્રસંગે આપેલાં ટૂંકા વક્તવ્યમાં રાજદૂત જે. પી. સિંહે કહ્યું હતું કે, ‘તુ-બિશ્વાન’ અને ‘એક પેડ માઁ કે નામ’ બંને પર્યાવરણ જાળવણી માટે ભારત-ઇઝરાયેલની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે જ્યાં આ કાર્યક્રમ યોજાયો તે મોશાવ નેવાતિમ નગરની સ્થાપના ભારતમાં કોચીનથી ઇઝરાયેલ જઈને વસેલા ‘ભારતીય યહૂદીઓ’એ સ્થાપ્યું હતું. ત્યાં જે યહૂદીઓનુૂં પ્રાર્થના સ્થળ, સાયનેગોગ છે તેવું જ સાયનેગોગ તે યહૂદીઓએ રચ્યું છે. આ રીતે તેઓએ તેમનાં ભારતનાં સ્મરણો યથાવત્ રાખ્યાં છે.
કોચીન-સાયનેગોગ તરીકે જ નેવાતિમ સ્થિત સાયનેગોગ ઓળખાય છે. તેની આસપાસ ઉદ્યાન છે. તેમાં જામનગરના જામ-સાહેબની પ્રતિમા છે. આ જામ સાહેબે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે યહૂદી અને પોલીશ બાળકોને બચાવવા સખત પ્રયત્નો કર્યા હતા અને તેઓને જામનગર પાસેના બેડી બંદરે સ્ટીમર દ્વારા ઉતાર્યા હતા. આ સાયનેગોગ ફરતાં ઉદ્યાનમાં ‘જ્યુઈશ હેરિટેજ સેન્ટર’ આવેલું છે. જેમાં ભારતમાં સદીઓ પહેલેથી વસેલા યહૂદીઓએ ભારત સાથે કેવી એકતા સાધી હતી તેનું ફોટા પ્રદર્શન, મૂર્તિઓ, તથા પુસ્તકો રચાયેલાં છે. તેમાં કેટલાક સ્કૉલ્સ પણ છે.



