‘પાડોશી દેશોની સરખામણીમાં સૌથી સારી ડીલ, કૃષિ-ડેરી ક્ષેત્ર સુરક્ષિત’, US સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા પિયૂષ ગોયલ | piyush goyal to provide information on india us trade deal

![]()
Image Source: IANS
India-US Trade Deal: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) સાંજે દિલ્હીના વાણિજ્ય ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતની અમેરિકા સાથે સૌથી સારી ડીલ થઈ છે. આ ટ્રેડ ડીલથી ભારત વધુ મજબૂત થશે. આ ડીલમાં કૃષિ અને ડેરી ક્ષેત્રને સુરક્ષિત રખાયા છે. ટ્રેડ ડીલ અંગે ભારત અને અમેરિકા દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે.’ જણાવી દઈએ કે, સોમવારે (2 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર સંમત થયા છે. આ અંતર્ગત, વોશિંગ્ટન ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ વર્તમાન 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે.
પાડોશી દેશોની સરખામણીમાં ભારતને સૌથી સારી ડીલ મળી: પિયૂષ ગોયલ
પિયૂષ ગોયલે કહ્યું કે, દેશ આજે વડાપ્રધાન મોદીનો આભાર માની રહ્યો છે. પાડોશી દેશોની સરખામણીમાં ભારતને અમેરિકા સાથે ખૂબ જ સારી ડીલ થઈ છે. અમેરિકા સાથે ભારતના ભવિષ્યને ચાર ચાંદ લગાવનારી ટ્રેડ ડીલ થઈ છે. ભારતને સૌથી સારી ટ્રેડ ડીલ મળી છે. મહિનાઓથી અમેરિકાના અધિકારીઓ સાથે વાત થઈ રહી હતી અને અંતે જનહિતમાં નિર્ણય આવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતીય હિતોને પ્રાથમિકતા આપી. આ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે.
અમે ગૃહમાં ડીલ અંગે વાત કરવા ઈચ્છતા હતા: પિયૂષ ગોયલ
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પિયૂષ ગોયલે કહ્યું કે, ‘સામાન્ય રીતે, અમે આ અંગે ગૃહમાં વાત કરવા ઇચ્છતા હતા, પરંતુ અમે સૌએ તે શરમજનક ઘટના જોઈએ. જે રીતે વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગી DMK, TMC અને સમાજવાદી પાર્ટીએ આજે ગૃહમાં ખૂબ જ શરમજનક વ્યવહાર કર્યો. તેઓ સ્પીકરની ખુરશી સુધી પહોંચી ગયા અને તેનું અપમાન કર્યું. હું વિપક્ષ અને રાહુલ ગાંધીની આકરી નિંદા કરું છું, જેના કારણે આજે આપણે સંસદમાં બોલવાના બદલે તમને આ માહિતી આપવા માટે અહીં આવવું પડ્યું.’
તેમણે કહ્યું કે, ‘આ ડીલથી ભારતના તમામ 140 કરોડ નાગરિકો માટે, દરેક ગરીબ વ્યક્તિ, ખેડૂત, માછીમાર, ગામડામાં રહેતા યુવા યુવક-યુવતીઓ, અમારી બહેનો અને મહિલાઓ માટે ખૂબ મોટી તક આવશે. વડાપ્રધાન મોદીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોનું સમર્થન કર્યું છે, તેના હિતોની રક્ષા કરી છે અને આ ક્ષેત્રના લોકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય અને ભરપૂર અવસર ઉપલબ્ધ કરાવવા માટે અથાક પ્રયાસ કર્યા છે.’
કૃષિ અને ડેરી સુરક્ષિત રખાયા: પિયૂષ ગોયલ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘મને ખુશી છે કે આખો દેશ તેને સમજે છે અને તેના વખાણ કરે છે. ભારતની અર્થવ્યવસ્થાના સંવેદનશીલ ઘટક વિશેષ કરીને કૃષિ અને ડેરી સુરક્ષિત રખાયા છે. આ ટ્રેડ ડીલને લઈને આખો દેશ ઉત્સાહિત છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારતના નિકાસથી જોડાયેલા તમામ લોકો, ભારતના ટેક્નોલોજી ક્ષેત્રથી જોડાયેલા લોકો, જે ભારતમાં આધુનિક ટેકનોલોજી લાવવા ઇચ્છે છે અથવા ગ્લોબલ સપ્લાઈ ચેન અને ગ્લોબલ વેલ્યૂ ચેનનો ભાગ બનવા ઇચ્છે છે, જે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર સ્થાપિત કરવા ઇચ્છે છે અને જે અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છે છે તે તમામ આનાથી ઉત્સાહિત છે.’



