જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા લકવાગ્રસ્ત બુજુર્ગને ‘બીડી’ મૃત્યુનું કારણ બની | ‘Bidi’ caused the death of a paralyzed elderly man living in Vijayanagar area of Jamnagar

![]()
Jamnagar : જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષના એક બુઝુર્ગ કે જેઓ લકવાગ્રસ્ત બન્યા હતા, અને ખાટલામાં બીડી પી રહ્યા હતા. તે દરમિયાન તણખાના કારણે પોતે સળગીને ગંભીર સ્વરૂપે દાજી ગયા બાદ તેઓનું કરુણ મૃત્યુ નીપજયું છે, જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
આ ઘટનાની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક વિજયનગર શેરી નંબર-3 માં રહેતા પરબતભાઈ રાજાભાઈ ગોજીયા નામના 65 વર્ષના બુઝુર્ગ કે જેઓને છેલ્લા કેટલાક સમયથી પેરાલીસીસ થઈ જતાં તેઓનું અડધું શરીર કામ કરતું ન હતું, દરમિયાન તેઓ ગત 21મી જાન્યુઆરીના રોજ પોતાના ઘેર ખાટલામાં સુતા સુતા બીડી પીતા હતા, ત્યારે તણખો ખાટલામાં કપડા પર પડતાં સળગી ગયા બાદ અગ્નિ અકસ્માતમાં પોતે પણ ગંભીર સ્વરૂપે દાજી ગયા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં દસ દિવસની સારવાર બાદ ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશભાઈ પરબતભાઈ ગોજીયાએ પોલીસને જાણ કરતાં સીટી સી.ડિવિઝનના એએસઆઈ જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પરબતભાઈના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


