જામનગરની વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3 ની ધરપકડ : રિમાન્ડની કાર્યવાહી | 3 arrested in case of fatal attack on accountant of Vishal Hotel in Jamnagar

![]()
Jamnagar Police : જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલ ઈન્ટરનેશનલના બે ભાગીદારો વચ્ચેના ઝગડામાં હોટલના કર્મચારી ઉપર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવાઈ હતી. જમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત ત્રણ શખસોની પોલીસે ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં અગાઉ 9 આરોપીની ધરપકડ કરી લઈ જેલ હવાલે કરાયા છે.
જામનગરની વિશાલ હોટલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિત ચંદુભાઈ ચુડાસમા (ઉ.વ.48) નામના કર્મચારી ઉપર થોડા માસ પહેલા લોખંડના પાઈપ, લાકડાના ધોકા, લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં મિલન હંજડા, અનિલ ભદ્રા અને ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા અને અજાણ્યા સહિત કુલ 12 શખસો સામે ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી જવા પામી હતી.
આ હુમલો હોટલના ભાગીદારો મિતેશભાઈ કનખરા અને કિરીટભાઈ ભદ્રા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેના કારણે કર્મચારીને ફોન કરીને કાલથી નોકરી પર નથી જવાનું તેવી ધમકી આપી હતી. જેથી કર્મચારીએ કારણ પુછતા તેને સત્યમ કોલોની અન્ડરબ્રિઝ પાસે બોલાવીને જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવથી શહેરમાં ભારે ચકચાર જાગી હતી, અને અગાઉ આરોપી મિલન હંજડા સહિત 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી, જે તમામ આરોપીઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. જ્યારે આ ગુનામાં નાસતા-ફરતા ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા તેમજ અનિલ વિનોદભાઈ ભદ્રા અને અર્જુન દિપકભાઈ ભદ્રાની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ જીવલેણ હુમલામાં આરોપીઓએ ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના કહેવાથી અમો આવ્યા હોવાનું કહ્યું હતું. જેથી હોટલ કર્મચારીએ ફરિયાદમાં કિરીટભાઈનું પણ નામ લખાવ્યું હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. જેઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી, જે અરજી રદ થતાં તેઓની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો, અને આખરે ગઈકાલે મોડી સાંજે પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે, જેઓને રિમાન્ડ પર લેવાની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.



