અમારા નિયમો ના પાળવા હોય, તો અહીંથી ચાલતી પકડો… સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exit: Supreme Court Slams Meta Over WhatsApp Privacy Policy

![]()
Supreme Court Slams Meta Over WhatsApp Privacy Policy : સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. 2021ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ કરી કે વોટ્સેપની પ્રાઈવસી પોલિસી શોષણકારી છે. વોટ્સએપ યુઝરનો ડેટા શેર કરે છે અને તેનો ઉપયોગ કરી કમાણી પણ કરે છે.
તમારી પ્રાઈવસી પોલિસી સામાન્ય લોકોને કેવી રીતે સમજાશે? : સુપ્રીમ કોર્ટ
આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા કંપની મેટા (Meta) અને તેની મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કડક શબ્દોમાં મેટા અને વોટ્સએપને ફટકાર લગાવતા કહ્યું કે, જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકતા હોવ તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના કોઈ પણ નાગરિકની પ્રાઈવસી જોખમમાં ના મૂકી શકીએ. કોઈ વૃદ્ધ મહિલા, રસ્તા કિનારે વેપાર કરતી વ્યક્તિ કે પછી માત્ર તમિલ આવડતું હોય તેવા લોકો તમારી પોલિસી કેવી રીતે સમજી શકે?
ચીફ જસ્ટિસે વોટ્સએપને કડક શબ્દોમાં કહ્યું કે, તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી શેર કરવા માટે નહીં. અમને પણ તમારી પોલિસી સમજવામાં સમસ્યા આવે છે તો બિહારના ગામમાં રહેતા લોકોને શું સમજાશે? ડૉક્ટર વોટ્સેપમાં ત્રણ દવા લખીને આપે તો 5 મિનિટમાં દવાની જાહેરાતો ફોનમાં દેખાવવા લાગે છે.
વોટ્સએપને યુઝર્સનો ડેટા વેચવાનો હક નથી!
સુપ્રીમ કોર્ટે વોટ્સએપને નિર્દેશ કર્યો કે, અમે તમને યુઝર્સનો ડેટા મેટાને શેર કરવાની મંજૂરી નહીં આપીએ. યુઝર્સને એપની ‘લત’ લગાવી દેવામાં આવી છે અને હવે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે. પૈસા કમાવવા માટે લાખો યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવામાં આવે છે. ભારતના યુઝર્સ મૌન છે તેનો અર્થ એ નથી કે તમે ગમે તેનો ડેટા વેચવા લાગો! સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી છે તથા આ કેસ પર હવે ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે. આ મામલે 9 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે.
ગામડાંના લોકો અને ફેરિયા ‘સંમતિ’ને નથી સમજતા
આ સુનાવણી દરમિયાન મેટા અને વોટ્સએપ તરફથી દલીલ કરાઈ હતી કે તેઓ યુઝર્સની સંમતિ (Informed Consent) લીધા બાદ જ ડેટાનો ઉપયોગ કરે છે. આ દલીલને નકારી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો ભારતીય યુઝર્સ, જેમાં શેરીના ફેરિયાઓ અને ગ્રામીણ નાગરિકોનો સમાવેશ થાય છે, તેઓ તમારી જટિલ પ્રાઈવસી પોલિસી સમજી શકતા નથી. તેમણે આ સ્થિતિને ‘સિંહ અને ઘેટાં’ વચ્ચેની પસંદગી સમાન ગણાવી હતી.
કોર્ટે વોટ્સએપ પાસે લેખિતમાં બાંહેધરી માંગી
સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ તરીકે વોટ્સએપને સૂચના આપી છે કે જ્યાં સુધી આ કેસની સંપૂર્ણ સુનાવણી ન થાય ત્યાં સુધી તેઓ મેટા (પેરેન્ટ કંપની) સાથે કોઈ પણ યુઝરની માહિતી શેર કરી શકશે નહીં. કોર્ટે કંપનીને કહ્યું છે કે, કાં તો તમે લેખિતમાં બાંહેધરી આપો કે ડેટા શેરિંગ નહીં થાય અથવા અમે તમારો કેસ રદ કરી દઈશું.
શું છે આ સમગ્ર વિવાદ?
નવેમ્બર 2024માં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ વોટ્સએપને પ્રાઈવસી પોલિસી તથા પ્રતિસ્પર્ધા કાયદાના ભંગ બદલ 213 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વોટ્સએપ પર આરોપ હતો કે કંપનીએ યુઝર્સને નવી પોલિસી સ્વીકાર કરવા મજબૂર કર્યા. જે બાદ મેટા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. આ સુનાવણી જાન્યુઆરી 2025માં NCLAT (National Company Law Appellate Tribunal) દ્વારા અપાયેલા આદેશ વિરુદ્ધ મેટા, વોટ્સએપ અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર થઈ રહી હતી. NCLAT એ માર્કેટમાં પ્રભુત્વનો દુરુપયોગ કરવા બદલ કંપની પર પેનલ્ટી અને ડેટા શેરિંગ પર મર્યાદા લાદી હતી.
હાલ પૂરતું, સુપ્રીમ કોર્ટના આ કડક વલણને કારણે ટેક જાયન્ટ કંપનીઓ માટે ભારતમાં ડેટા શેરિંગ પોલિસીમાં મોટો ફેરફાર કરવો અનિવાર્ય બની શકે છે.



