વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર | supreme court caste census 2027 verification system guidelines

![]()
How to Declare Caste in Census : સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને ભારતના રજિસ્ટ્રાર જનરલ તથા વસ્તીગણતરી કમિશનરને એ સૂચન પર વિચાર કરવા જણાવ્યું છે, જેમાં 2027ની વસ્તીગણતરીમાં જાતિની ગણતરી માત્ર ‘સ્વ-ઘોષણા’ (Self-declaration) ને બદલે એક ચોક્કસ પ્રણાલીના આધારે કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. વસ્તીગણતરીમાં નાગરિકોની જાતિ સંબંધિત વિગતો નોંધવા, વર્ગીકૃત કરવા અને તેને ચકાસવા માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજી (PIL) પર વિચાર કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.
કોર્ટની મહત્વની ટિપ્પણીઓ
CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, “આમાં એક સુસંગત મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, તેથી સક્ષમ સત્તાધિકારીઓએ વસ્તીગણતરી અધિનિયમ 1958 હેઠળ આ સૂચનો પર વિચાર કરવો જોઈએ.” ખંડપીઠે અરજદાર અને શિક્ષણવિદ આકાશ ગોયલને જણાવ્યું હતું કે, જાતિ સંબંધિત આંકડાઓની ઓળખ માટે અગાઉથી નક્કી કરેલો કોઈ ડેટા નથી.
આ ઉપરાંત ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, વસ્તીગણતરીની પ્રક્રિયા વસ્તીગણતરી અધિનિયમ, 1958 અને તે હેઠળ 1990માં બનાવવામાં આવેલા નિયમો મુજબ ચાલે છે. આ કાયદો પ્રતિવાદી સત્તાધિકારીઓને વસ્તીગણતરી કરવાની વિગતો અને પદ્ધતિઓ નક્કી કરવાની સત્તા આપે છે. કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રજિસ્ટ્રાર જનરલ અને વસ્તીગણતરી કમિશનરની કચેરી કોઈપણ ભૂલ ટાળવા માટે નિષ્ણાતોની મદદથી એક મજબૂત વ્યવસ્થા વિકસાવી ચૂકી હશે.
પારદર્શક પ્રક્રિયાની માંગ
અરજદાર ગોયલ વતી વરિષ્ઠ એડવોકેટ મુક્તા ગુપ્તાએ દલીલ કરી હતી કે, નાગરિકોની જાતિની વિગતો નોંધવા અને ચકાસવા માટે ઉપયોગમાં લેવાતું પ્રશ્નાવલી પત્રક પારદર્શક હોવું જોઈએ અને તેને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.
2027ની વસ્તીગણતરીની વિશેષતા
વર્ષ 2027ની વસ્તીગણતરી સત્તાવાર રીતે ભારતની 16મી રાષ્ટ્રીય વસ્તીગણતરી છે. તેની મુખ્ય વિશેષતાઓ અનુસાર 1931 પછી આ પ્રથમ વખત હશે જ્યારે વ્યાપક સ્તરે જાતિગત ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. આ દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તીગણતરી હશે. સુપ્રીમ કોર્ટે આ તમામ સૂચનો પર વિચાર કરવાના આદેશ સાથે અરજીનો નિકાલ કર્યો છે.



