વડોદરા: મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ રંગેચંગે ઉજવાયો, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ નોંધાયા | Vadodara BAPS Swaminarayan Mahant Swami 92nd Birth Anniversary Celebration Guinness World Records

BAPS Swaminarayan: વડોદરાના અટલાદરા ખાતે આવેલી BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો, મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ ‘ ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા’ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું, અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તારક મહેતાના જેઠાલાલ રહ્યા હાજર
વિશ્વમાં 1200 હિન્દુ મંદિરોનું નિર્માણ કરવા બદલ પ્રમુખ સ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું, બી. એ. પી. એસ સંસ્થા દ્વારા બાળકો માટે વિશિષ્ટ યુટ્યુબ ચેનલ ‘ BAPS Kids’ આ સાથે સાથે ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ – આદિવાસી વિસ્તારો માટે મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો પણ શુભારંભ કરાવ્યો, આ દરમિયાન તારક મહેતાના જેઠાલાલ (દિલીપ જોશી) પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ
Largest Simultaneous Hindu Text Recital – ‘હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન’ બદલ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારી દ્વારા મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું.

બી. એ. પી. એસ સંસ્થાના 3 વર્ષથી 13 વર્ષની વય સુધીના 15,000 કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે. જેની નોંધ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે.

બે લાખ ભક્તોની સમૂહ આરતી
આ જન્મજયંતી સમારોહમાં બી.એ.પી.એસ.ના 800 સંતો તેમજ અંદાજે બે લાખ જેટલા ભક્તો-ભાવિકો સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને અંતે બે લાખ જેટલાં હરિભક્તો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી અલૌકિક માહોલ સર્જાયો હતો. આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમય સુધી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી હતી, જેમાં બી.એ.પી.એસ.ના સેંકડો સંતો તથા 34 સેવા વિભાગોના 14,000 સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી.



