गुजरात

‘મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે’, નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં વ્યક્ત કરી વેદના | nadiad dinsha patel nursing college student Self Destruction case


Nadiad News: ખેડા જિલ્લાના નડિયાદના મંજીપુરા વિસ્તારમાં રહેતા અને દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા જય વિજયકુમાર પાટીલ નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ પોતાના ઘરે અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને શૈક્ષણિક આલમમાં શોકની લાગણી સાથે અનેક સવાલો ઊભા થયા છે.

આત્મહત્યા કરતા પૂર્વે જયે એક હૃદયદ્રાવક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, “સોરી મમ્મી, હું કંટાળી ગયો છું.” તેણે નોટમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે કોલેજના મેડમ પુરાવા વગર તેના પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. તેણે લખ્યું કે તે કોઈના શરીરની મજાક ઉડાવતો નથી અને તે નિર્દોષ હોવા છતાં તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જો તેણે ભૂલ કરી હોત તો તેને શરમ ન આવત, પરંતુ નિર્દોષ હોવા છતાં બદનામ થતા તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

'મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે', નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં વ્યક્ત કરી વેદના 2 - image

આ પણ વાંચો: જામનગરના બાલંભડી ગામમાં રહેતા ખેડૂત યુવાન પર જમીનના પ્રશ્ને હુમલો : ચાર સામે ફરિયાદ

વિદ્યાર્થીના પિતા વિજયભાઈએ કોલેજ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ તેમને કોલેજમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં કોલેજ સત્તાધીશોએ જયના વર્તન પર દેખરેખ રાખવાની અને જો સુધારો ન જણાય તો લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી હતી. પિતાના મતે, કોલેજના શિક્ષકોએ ભેગા મળીને તેમના દીકરાને માનસિક રીતે એકલો પાડી દીધો હતો, જેના કારણે તે છેલ્લા ત્રણ દિવસથી ભારે મનોવૈજ્ઞાનિક દબાણ અને ડિપ્રેશનમાં હતો.

બીજી તરફ, દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ વિરેન્દ્ર જૈને આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેમને આ ઘટનાની જાણ થઈ છે. તેમણે ઉમેર્યું કે બે દિવસ પહેલા જ વિદ્યાર્થીના માતા સાથે મીટિંગ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન થયો હતો. 

'મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે', નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં વ્યક્ત કરી વેદના 3 - image

આ પણ વાંચો: પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરાર

જય પાટીલના પરિવારે હવે ન્યાયની માંગ કરી છે. પિતાએ આક્રોશ સાથે જણાવ્યું છે કે તેમના નિર્દોષ દીકરાને આત્મહત્યા માટે મજબૂર કરનાર કોલેજ તંત્ર સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. પોલીસ દ્વારા અત્યારે સુસાઇડ નોટ કબજે કરવામાં આવી છે અને વિદ્યાર્થીના મોબાઈલ રેકોર્ડ્સ તેમજ કોલેજના સ્ટાફની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ અને જવાબદારો સામે આવશે.

આ ઘટના શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષકોના વલણ સામે મોટા પ્રશ્નાર્થો ખડા કરે છે. શૈક્ષણિક દબાણ કે શિસ્તના નામે વિદ્યાર્થીઓ પર એટલું માનસિક ભારણ ન આવવું જોઈએ કે તેઓ મોતને વહાલું કરે. વાલીઓ અને કોલેજ સત્તાધીશો વચ્ચે યોગ્ય સંવાદનો અભાવ અને વિદ્યાર્થીની સંવેદનશીલતાને સમજવામાં થતી ચૂક આવા કરુણ અંજામ લાવે છે, જે ભવિષ્યમાં અટકાવવા અનિવાર્ય છે.



Source link

Related Articles

Back to top button