दुनिया

મધ્યપૂર્વમાં યુદ્ધના ભણકારાં, અમેરિકા-ઈઝરાયલની સિક્રેટ મીટિંગમાં ઈરાન વિરુદ્ધ રચાયું ‘ચક્રવ્યૂહ’ | US Israel Secret Meeting at Pentagon Over Iran Attack Plan



US-Israel Secret Meeting : મિડલ ઈસ્ટ અત્યારે ફરી એકવાર વિનાશક યુદ્ધના ઉંબરે આવીને ઊભું છે. અહેવાલ મુજબ, ગત શુક્રવારે વોશિંગ્ટન સ્થિત અમેરિકાના સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગોન’માં અમેરિકા અને ઇઝરાયલના ટોચના સૈન્ય નેતાઓ વચ્ચે એક અત્યંત ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકન જનરલ ડેન કેન અને ઈઝરાયલના ચીફ ઓફ સ્ટાફ આયલ જમીર વચ્ચે બંધ બારણે ચર્ચા થઈ હતી, જેના કેન્દ્રમાં ઈરાન હોવાનું માનવામાં આવે છે.

ઈઝરાયલમાં હલચલ તેજ

આ બેઠક કેટલી મહત્વની હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આયલ જમીર વોશિંગ્ટનથી પરત ફરતા જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા અધિકારીઓ સાથે તાબડતોબ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ બેઠકમાં ઈઝરાયલના રક્ષામંત્રી ઈઝરાયલ કાત્ઝ, મોસાદ ચીફ ડેવિડ બાર્નિયા અને અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. રક્ષામંત્રીના કાર્યાલયે પુષ્ટિ કરી છે કે ઈઝરાયલ અત્યારે કોઈ પણ સંભવિત પરિણામો માટે સૈન્ય તૈયારીઓની સમીક્ષા કરી રહ્યું છે.

ટ્રમ્પ સરકારનો બદલાયેલો સૂર

અગાઉ એવી ચર્ચાઓ હતી કે સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) જેવા મુસ્લિમ દેશોએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર હુમલો ન કરવા માટે મનાવી લીધા છે. પરંતુ, પેન્ટાગોનની તાજેતરની ગતિવિધિઓ અને ઈઝરાયલી મીડિયાના અહેવાલો સૂચવે છે કે અમેરિકન અધિકારીઓ હવે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

ઈરાનની વળતી ચેતવણી

બીજી તરફ, ઈરાને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા કે ઈઝરાયલ દ્વારા તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તે આખા મિડલ ઈસ્ટને પ્રાદેશિક યુદ્ધમાં ધકેલી દેશે. ઈરાનની આ ચેતવણી બાદ આખું વિશ્વ અત્યારે પેન્ટાગોન અને ઈઝરાયલના આગામી પગલાં પર નજર રાખીને બેઠું છે.



Source link

Related Articles

Back to top button