ઈરાનનાં બંદર અબ્બાસમાં પ્રચંડ વિસ્ફોટ એક બાલિકાનું મૃત્યુ : અન્ય 14ને ઈજાઓ | Massive explosion in Iran’s Bandar Abbas kills one girl injures 14 others

![]()
અમેરિકી અને ઈરાની નૌ સેના કાફલા સામ સામે આવ્યા છે
સ્થાનિક અધિકારીઓ તે બ્લાસ્ટ ગેસ લીકેજને લીધે થયેલો માને છે : શનિવારે આહવાઝ શહેરમાં થયેલા વિસ્ફોટમાં પાંચનાં મૃત્યુ થયાં હતાં
તહેરાન: ઈરાનનાં બંદર અબ્બાસમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 4 વર્ષની એક બાલિકાનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ૧૪ને ગંભીર ઈજાઓ થઈ હતી.
ઉલ્લેખનીય તે છે કે ઈરાને હોર્મઝની સમુદ્રધુનિ સ્થિત જળ વિસ્તારમાં તેની નૌસેનાની કવાયતનો આરંભ કરવાને આગલે દિવસે જ આ વિસ્ફોટ થયો હતો. હાર્મઝની સમુદ્રધુનિ ઈરાનના અખાતના મુખ્ય પ્રદેશમાં આવેલી છે. જ્યાંથી દુનિયાના તેલ ભંડારો પૈકી ૨૦ ટકા જેટલું તો સ્ટ્રેઈટ્સ ઓફ હોર્મઝમાંથી પસાર થાય છે. અહીંથી બહાર નીકળી ઈરાનની નૌ-સેનાએ શનિવારથી યુદ્ધ કવાયતો શરૂ કરી દીધી છે.
બીજી તરફ અમેરિકી સેનાએ ઈરાનને સીધી ચેતવણી આપતાં કહ્યું છે કે, બંદર અબ્બાસ જ્યાં રહેલું છે તેની, હોર્મઝની સમુદ્રધુનિ (સ્ટ્રેઈટસ) પાસેથી પસાર થતાં યુદ્ધ જહાજો કે વ્યાપારી જહાજોને હેમખેમ પસાર થવાં દેવાં જોઈશે.
આમ એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચે તંગદિલી વધતી જાય છે, તેવે સમયે બંદર અબ્બાસમાં થયેલા આ વિસ્ફોટથી આસપાસના લોકોમાં ઘડીભર તો ભયનું મોજું પ્રસરી રહ્યું હતું.
દરમિયાન ઈરાનની સત્તાવાર ટી.વી. સેવાએ સ્પષ્ટતા કરી હતી કે તે વિસ્ફોટ તે ઘરમાં થયેલા ગેસ લીકેજને લીધે થયો હતો. સ્થાનિક વર્તમાનપત્ર શોભ-એ-સાહેલે પણ આ ઘટનાની વિગતો આપી હતી અને તેનો સંવાદદાતા વિસ્ફોટ જે ઘરમાં થયો હતો, તેની પાસે જ ઊભો રહી ઘટના વિષે જણાવી રહ્યો હતો તેવું ટી.વી. ફૂટેજ પણ ટી.વી. ચેનલ્સ પર દર્શાવવામાં આવ્યું હતું.
આ વિસ્ફોટ પૂર્વે દક્ષિણ પૂર્વનાં આહવાઝ શહેરમાં પણ એક વિસ્ફોટ થયો હતો જેમાં પાંચનાં મૃત્યુ થયાં હતાં. આ વિસ્ફોટ પણ ગેસ લીકેજને લીધે થયો હોવાનું અગ્નિ-શામક વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.



