પેસેન્જર તરીકે બેસી વાહનો ઉઠાવતો રીઢો ચોર ઝડપાયો | vhicle theft caught with riksha

![]()
વડોદરા, તા.1 પેસેન્જર તરીકે રિક્ષા અથવા કારમાં બેસી રસ્તામાં વાહનની ઉઠાંતરી કરનાર રીઢા વાહનચોરને વાઘોડિયા પોલીસે ઝડપી પાડી ચોરીની એક રિક્ષા કબજે કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ચોરીની એક સીએનજી રિક્ષા લઇને ચાલક રવાલથી સોમેશ્વરપુરા બસ સ્ટેન્ડથી ગજાદરા ગામ તરફ જવાનો છે તેવી માહિતીના આધારે પોલીસે સોમેશ્વરપુરા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ચોરીની રિક્ષા લઇને આવનાર રાજુ ઉર્ફે ચકો શંકરભાઇ બારિયા (રહે.લક્ષ્મીનગર, ખોડિયારનગર, વડોદરા, મૂળ સુખલીપુરા)ને ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તા.૨૮ના રોજ સાંગાડોલ પાસે પડીકી લેવા ગયેલા ચાલકની નજર ચૂકવી રિક્ષાની ચોરી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે રિક્ષા અથવા અન્ય વાહનમાં રાજુ ઉર્ફે ચકો પેસેન્જર તરીકે બેસતો હતો અને રસ્તામાં કોઇ કારણસર વાહન ઊભું રખાવી વાહનચાલકની નજર ચૂકવી વાહન ઉઠાવી જતો હતો. તેની સામે વડોદરા શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનો ઉપરાંત રાજપીપળા, વાંસદા, માંડવી, સાપુતારા, આમલેઠા સહિતના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન, મારામારી, છેતરપિંડી અને ચોરી સહિતના કુલ ૧૭ ગુના નોંધાયા છે.

